ભારતના ગણતંત્ર દિવસને લઈને આજથી જ દેશની રાજધાની દિલ્હીમાં સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી છે ત્યારે ભારતની આઝાદીના ઈતિહાસમાં પહેલીવાર નેતાજીના જન્મજયંતીના દિવસથી ઉજવણી શરૂ થઈ રહી છે. અત્યાર સુધી 24 જાન્યુઆરીથી ઉજવણી શરૂ થતી હતી.
પ્રજાસત્તાક દિવસનો મુખ્ય સમારોહ 26 જાન્યુઆરીએ થશે જેમાં રાષ્ટ્રધ્વજને સલામી અને પરેડ કરવામાં આવશે જેમાં ભારતની સૈન્ય તાકાત આખી દુનિયા જોશે. પરેડમાં આ વખતે ફ્લાયપાસ્ટ 10 વાગ્યાની જગ્યાએ 10.30 વાગે શરૂ કરવામાં આવશે.
આખા સમારોહનું સમાપન 30મી જાન્યુઆરીએ શહીદ દિવસ પર કરવામાં આવશે. આ વખતે 1000 ડ્રોન, 75 લડાકૂ વિમાન અને 12 રાજ્યોની ઝાંકી પરેડમાં જોવા મળશે.કોરોના વાયરસના કારણે પરેડ જોવા આવનાર લોકોની સંખ્યામાં ઓછી રાખવામાં આવી છે. આ વર્ષે માત્ર 20 હજારની આસપાસ લોકોને આવવાની અનુમતિ આપવામાં આવશે. સેનાઓ દ્વારા ફૂલ ડ્રેસ રિહર્સલ પણ આ માટે કરવામાં આવી રહ્યું છે.