મુંબઈથી 66 પ્રવાસીને લઈ ભુજ આવતી ફ્લાઈટ એન્જિન કવર વગર જ ઉડી, ગંભીર બેદરકારી અંગે તપાસના આદેશ અપાયા

▪️66 પેસેન્જર સાથેની ફ્લાઇટ મુંબઈથી આજે સવારે 06:30ના અરસામાં ટેક ઓફ થઈ હતી ▪️ફ્લાઈટે ટેક ઓફ કર્યું ત્યારે તેના એન્જીન કાઉલિંગનો એક ભાગ નીચે પડી જવા પામ્યો હતો ▪️ઘટનાના પગલે ભુજથી મુંબઇ માટેની ફ્લાઇટ સ્થગિત કરાઇ
આજે બુધવારે સવારે મુંબઈથી 66 પ્રવાસીને લઈ ભુજ આવતી એક ફ્લાઈટે એન્જિન કવર વગર જ ઉડાન ભરી હતી. નોંધનીય છે કે ફ્લાઈટે આજે સવારે 06.15 વાગ્યાની આસપાસ ટેક ઓફ કર્યું ત્યારે તેના બીજા એન્જીનના કાઉલિંગનો એક ભાગ નીચે પડી જવા પામ્યો હતો. જો કે ફ્લાઈટ પરત લેન્ડ કરવાનો કોઈ આદેશ ના મળતા આ ફ્લાઇટ ભુજ એરપોર્ટ ખાતે સવારે 08.10 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ફ્લાઈટમાં કુલ 66 મુસાફરો સવાર હતા. આ ગંભીર પ્રકારની ઘટના બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
જિલ્લા મથક ભુજ ખાતે આવેલા એરપોર્ટ પરથી મુંબઇ વિમાની સેવા અંતર્ગત દૈનિક ફ્લાઇટ દ્વારા મુસાફરો ઝડપી મુસાફરી કરતા હોય છે. દરમિયાન આજે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પરથી એલાયન્સ એરની એટીઆર ફ્લાઇટ રાબેતા મુજબ સવારે 06.15 વાગ્યાની આસપાસ ભુજ આવવા ટેકઓફ થઈ હતી. ત્યારે જાણવા મળતી વિગતો મુજબ આ એરક્રાફ્ટના એન્જીન કાઉલિંગનો એક ભાગ નીચે પડી ગયો હતો. તેમ છતાં આ ફ્લાઇટ ભુજ તરફ આવી પહોંચી હતી અને સવારે 8.10 ના સમયની આસપાસ સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.
વિશેષ આ ઘટનામાં કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું જાણમાં આવતા ભુજથી સવારે 08.30 કલાકે મુંબઇ જવા ઉપડતી એલાયન્સ એરની ફ્લાઇટ આજે સ્થગિત કરી દેવામાં આવી હોવાનું ભુજ એરપોર્ટના ટર્મિનલ મેનેજર પ્રકાશ બાલેશ્વરે જણાવ્યું હતું. નોંધનીય છે કે આ ફ્લાઈટમાં 66 મુસાફરોની ટિકિટ બુક થઈ હતી.
દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મુંબઈથી ભુજ રવાના થયેલી ફ્લાઈટના એન્જીન કાઉલિંગમાંથી એક ભાગ પડી ગયાની જાણ એરપોર્ટ પર રહેલી ટીમને થતા આ વિષેની જાણકારી કેપ્ટનને આપવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધી ફ્લાઈટ ઉડી ગઈ હતી. જેના બાદ ફ્લાઈટમાં કંઈ વાંધાજનક ના જણાતા તેને રોકાઈ ના હોવાનું અનુમાન છે.
અલબત્ત ગંભીર પ્રકારની આ ઘટનામાં સદભાગ્યે કોઈ અનિચ્છનીય બનાવ ના બનતા ચોક્કસપણે સંબધિત તંત્ર અને મુસાફર વર્ગમાં રાહતની લાગણી ફેલાઇ છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ ઘટના સામે આવ્યા બાદ છેક ભુજ સુધી લાવવામાં આવી તે બાબત એક પ્રકારની સાહસ વૃત્તિ સમાન હોવાનું જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ ગંભીર પ્રકારની ઘટના બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશો અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *