Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ત્રિ-પાંખીયો જંગ પણ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ મેદાને છે. જોકે, ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવની પેટાચૂંટણી પહેલાં જ ભાજપે માવજી પટેલ સહિતના પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધાં છે. નોંધનીય છે કે, માવજી પટેલે થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચારમાં ભાજપ અને પાટીલ સામે પ્રહાર કરતાં પાટીલનો પાવર ઉતારવાની વાત કહી હતી.
Election : બનાસકાંઠામાં વાવ વિધાનરસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસ સુધી ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર નહતું કર્યું. બાદમાં અંતિમ ઘડીએ પાર્ટીએ સ્વરૂપજી ઠોકોરને મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતાં. પરંતુ, ભાજપના કાર્યકર માવજી પટેલને ભાજપ તરફથી ચૂંટણી લડવાની આશા પૂરી ન થતાં તેઓએ પાર્ટી સામે બળવો કરી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, માવજી પટેલની આ કાર્યવાહી સામે ભાજપે પણ વળતી કાર્યવાહી કરી છે. ચૂંટણી પહેલાં જ ભાજપે માવજી પટેલ સહિત બળવો કરનાર બનાસકાંઠાના પાંચ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
Election : ભાજપે રવિવારે (10 નવેમ્બર) જાહેર કરેલી યાદીમાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પાંચ સભ્યોને ગુજરાત રાજ્ય અધ્યક્ષ સી.આર પાટીલની સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Election : કયાં નેતા કરાયા સસ્પેન્ડ?
1.માવજી પટેલ( ડિરેક્ટર, બનાસ બેન્ક)
2.લાલજી હમીરભાઈ ચૌધરી(પટેલ) ( પૂર્વ ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ)
3.દેવજી પ્રેમાભાઈ પટેલ ( પૂર્વ ચેરમેન, જિ.ખ.વે.સંઘ, ડિરેક્ટર જિ.ખ.વે.સંઘ)
4.દલરામ નાગજીભાઈ પટેલ ( ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ)
5 જામાભાઈ ભુરાભાઈ પટેલ( પૂર્વ મહામંત્રી, સુઇગામ તાલુકો)
નોંધનીય છે કે, બુધવારે (6 નવેમ્બર) માવજી પટેલે જાહેરમાં ભાજપ અને પ્રદેશ અધ્યક્ષ પાટિલ પર પ્રહાર કર્યા હતાં. પટેલે કહ્યું કે, મારે ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે. તેમણે ચિમકી પણ આપી કે, હું ભાજપનો સૈનિક હોવા છતાંય ભાજપે મારી અવગણના કરી છે. પણ ભાજપને આ બધુંય ભારે પડશે.