કચ્છના અભ્યાસુ પત્રકાર રોનક ગજ્જરને ‘ઇકો જર્નાલિસ્ટ સન્માન’
પર્યાવરણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત
કિર્લોસ્કર વસુંધરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ પુના મધ્યે સોમવારે યોજાઈ હતી,જેમાં કચ્છના પત્રકાર રોનક ગજ્જરને મહત્વપૂર્ણ ‘ઇકો જર્નાલિસ્ટ સન્માન’ એનાયત કરાયું હતું.
કિર્લોસ્કર વસુંધરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ડાયરેક્ટર વીરેન્દ્ર ચિત્રવે એવોર્ડની જાહેરાત કરતા વર્ણવ્યું કે,ભુજ સ્થિત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા અનુભવી પત્રકાર અને જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર રોનક ગજ્જરને ઇકો જર્નાલિસ્ટ સન્માન-૨૦૨૩ એનાયત કરવામાં આવે છે.જેમાં તેમણે વન્યજીવ,પર્યાવરણ અને આબોહવા જેવા વિષયો પર રાષ્ટ્રીયસ્તરે નોંધપાત્ર કાર્ય કર્યું છે.અંતિમ નર ઘોરાડ ગુમ થયાની ઘોરાડની સ્ટોરીથી લઈને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કટારલેખ સાથે કરેલ કામગીરીની વિશેષ નોંધ લેવાઈ હતી.પક્ષીઓને ગાંઠિયા ખવડાવી તમને પુણ્ય નહિ પાપ કરી રહ્યા છો,તે ખૂબ વાયરલ લેખનો ઉલ્લેખ કરી ડાયરેક્ટરે જણાવ્યું હતું કે,આ પ્રકારની જૂજ કામગીરી થકી લાખો લોકો સુધી પહોંચી પત્રકાર તરીકે પર્યાવરણ સંરક્ષણનું મહત્વનું કાર્ય કર્યું છે.
રોનક ગજ્જર દ્વારા ‘કુદરતની કેડીએ’ કોલમ થકી અલભ્ય વન્યસંપદાના સંરક્ષણના મુદ્દા અને વિલુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ માટે પત્રકારત્વના માધ્યમથી કરાયેલા કાર્યને બિરદાવાયુ હતું અને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળ્યું છે કે,મોટાભાગના મીડિયા આઉટલેટ્સ આવા પ્રશ્નો વિશે દર્શકો અને વાચકોને પૂરતા પ્રમાણમાં આકર્ષતા નથી.ઇકો-જર્નાલિઝમએ પત્રકારત્વનું એક વિશેષ ક્ષેત્ર છે.જ્યાં પર્યાવરણ,પ્રકૃતિ,જૈવવિવિધતા અને ક્લાઈમેટ ચેન્જ સહિતના મુદ્દે લોકોના મગજ પર વિશેષરૂપે નોંધપાત્ર અસર કરે છે.જે કામગીરી બદલ રોનક ગજ્જરને રાષ્ટ્રીય સન્માન એનાયત કરાયું છે.નોંધનીય બાબત છે કે,આ અગાઉ રોનક ગજ્જર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાન આઈ.આઈ.ટી કાનપુર મધ્યે પણ કલાઈમેટ ચેન્જ વિષય પર વિષય નિષ્ણાત તરીકે ભાગ લઇ ચૂક્યા છે અને દેશના પ્રથમ જસ્ટ ટ્રાન્ઝિશન ડાયલોગમાં પેનલ ડિસ્કશનમાં પણ તેમણે ગુજરાતના અનેક મુદ્દે ચર્ચા વિચારણમાં નિષ્ણાત તરીકે જોડાઈ ચૂક્યા છે.
આ વેળાએ આરતી કિર્લોસ્કર (ફેસ્ટિવલ કન્વીનર), ગૌરી કિર્લોસ્કર (એમ. ડી.KOEL), રાજેન્દ્ર દેશપાંડે (ફેસ્ટિવલ ચેરમેન), આનંદ ચિટલે (ફેસ્ટિવલ ફેસિલિએટર), ડો. ગુરુદાસ નલકર (ફેસ્ટિવલ ક્યુરેટર) અને વીરેન્દ્ર ચિત્રવ (ફેસ્ટિવલ ડાયરેકર) દ્વારા કેવિફ લોગો અને એવોર્ડ જાહેર કરાયા હતા.આ સાથોસાથ વસુંધરા સન્માન ક્રિષ્ના મેકેન્જીને અને ફિલ્મમેકર ડીડબ્લ્યુ ઇકો ઇન્ડિયાને જાહેર કરાયું હતું.