DWARKADHISH MISRI PRASAD FRAUD : દ્વારકાધીશ મંદિરના વહીવટદારનો દાવો, ‘ઘર મંદિર’ સંસ્થાને ₹201માં દ્વારકાધીશને માખણ મિશ્રી ચઢાવવાની સ્કીમ મૂકી સાયબર ફ્રોડ કર્યો

DWARKADHISH MISRI PRASAD FRAUD : આવતીકાલે જન્માષ્ટમી પર્વ છે. દેશભરમાં ધામધૂમથી કૃષ્ણજન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે. એવામાં દ્વારકાધીશના મંદિરના મિશ્રીના પ્રસાદના નામે સાયબર ફ્રોડ થતું હોવાનું સામે આવ્યું છે. દ્વારકાધીશ મંદિર વહીવટદાર, દ્વારકાધીશ દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિ અને પૂજારી પ્રતિનિધિઓએ આ દાવાઓને સંયુક્ત રીતે ફગાવી દીધો હતો, સાથે જ રૂબરૂ આવી દર્શન કરી પ્રસાદ લેવા માટે ભક્તોને આહવાન કર્યું હતું.

DWARKADHISH MISRI PRASAD FRAUD : દ્વારકાધીશ મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે ‘ઘર મંદિર’ કરીને કોઈ વેબસાઈટ છે, એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની તિથિ છે, ભગવાનના મંદિરનો પ્રસાદ અને એની જે ફૂલમાળા ને બધું તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવાથી ઘેરબેઠાં મોકલી આપવામાં આવશે, એવો ભ્રામક દાવો એ વેબસાઈટ એજન્સી મારફતથી કરવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિર વહીવટદાર દ્વારા કહેવામાં આવ્યું કે આ તમામ પોકળ દાવાઓનું અમે ખંડન કરીએ છીએ. અમારા મંદિરની જે પ્રણાલી છે એ આપ સૌને જણાવવી છે કે આપણા મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ લાગે છે એ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી પ્રતિનિધિ અને જે વારાદાર પૂજારી હોય તેમના માર્ગદર્શનમાં તૈયાર થાય છે અને તેમના દ્વારા જ ભગવાનને નેક ભોગ કરીને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે.
DWARKADHISH MISRI PRASAD FRAUD : મંદિર વહીવટદારે જણાવ્યું હતું કે આ સિવાય અમારી જે dwarkadhish.org વેબસાઈટ છે, એના પર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘેરબેઠા મોકલી આપીએ છીએ. આ સિવાય અમારા નામ પર, અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ, તમામ ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ, વૈષ્ણવોને આ પ્રકારના દાવાઓથી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ.
ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ 2025 નિમિત્તે તમામને દ્વારકાધીશ મંદિર ખાતે રૂબરૂમાં આવી દર્શનનો લહાવો લેવા, પ્રસાદનો લહાવો લેવા માટે અપીલ કરું છું.
જન્માષ્ટમી પહેલાં ભક્તોને છેતરવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વેબસાઇટનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વેબસાઇટ દ્વારા ભક્તોને ઘેરબેઠાં માત્ર 201 રૂપિયામાં માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે. આ પહેલાં પણ આવી જ એક વેબસાઇટે 500 રૂપિયામાં ઓનલાઇન દર્શનની લાલચ આપી હતી.
એ સમયે પણ એક મોબાઇલ એપ્લિકેશન અને ઓડિયો વાઈરલ થયાં હતાં. હવે ફરી એકવાર આવી જ રીતે ભક્તો પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી છેતરપિંડીથી બચવા માટે ભક્તોને સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ અજાણી વેબસાઇટ કે એપ્લિકેશન પર નાણાં ટ્રાન્સફર કરતાં પહેલાં એની વિશ્વસનીયતા ચકાસવી જોઈએ.