ડો.શ્યામા પ્રસાદ મુખર્જી એટલે પોતાનું બલિદાન આપીને કાશ્મીરને બચાવનાર મહામાનવ, એક શહીદ, ત્રેપ્પન ચોપ્પન વર્ષના આયુષ્યમાં જ ત્યાગ, બલિદાન, સમર્પણની અમિટ છાપ મૂકી ગયા. ડો. મુખર્જી અચ્છા શિક્ષણ શાસ્ત્રી, ઉત્તમ વહીવટકર્તા, ઉત્તમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરિયન, આમૂલ દેશભકિતનું પ્રતીક હતા. ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતિ જન્માવી હતી. તેમણે કોઇ મુદ્દે કયારે ય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા. સત્તાનો મોહ એમને કયારેય ડગાવી શકયો નહોતો. તેમણે સ્વાર્થ માટે યથાર્થનું -સત્યનો કદી ભોગ નહોતો ચડાવ્યો.
સ્વભાવથી તેઓ શિક્ષણ ક્ષેત્રના માણસ હતા. તેત્રીસ વર્ષની ઉંમરમાં જ કોલકાતા વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ બન્યા હતા. તેમના પિતા આસુતોષ મુખર્જી આ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ રહી ચૂકયા હતા. તેમણે પિતાનો વારસો બરાબર જાળવ્યો, ભારતની સૌથી જૂની યુનિવર્સિટીના તેઓ સૌથી નાની વયના ઉપકુલપતિ હતા, પરંતુ નિર્ભયતા, રચનાત્મક અભિગમ, સુસ્પષ્ટ કલ્પનાશકિત અને યોગ્ય આયોજન તથા વ્યવહારૂ નીતિઓ દ્વારા તેમણે શિક્ષણ ક્ષેત્રે નવા નવા પ્રયોગો કર્યા. પરિણામે કોલકાતા યુનિવર્સિટી દેશની એક અગ્રગણ્ય યુનિવર્સિટી બની ગઇ. ૧૯૩૪થી ૧૯૩૮ના ટૂંકા સમયમાં તેમણે પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી. તેઓ ગોખણિયા શિક્ષણ પદ્ધતિથી વિરૂદ્ધ હતા.
માત્ર નોકરી મેળવવાની દૃષ્ટિથી ભણતર, થોડા વિષયોની માહિતી વિદ્યાર્થીના મનમાં ઠાંસી ઠાંસીને ભરવી, આપણી મૃત્યુંજયી સંસ્કૃતિને ભુલાવી દે એવું શિક્ષણ વગેરે તેમને અભિપ્રેત નહોતું. તેમણે વારંવાર ઘોષણા કરી કે માત્ર નોકરીની લાયકાત જ નહિ પણ વ્યકિતનો સર્વાંગ વિકાસ તથા તેના મન બુદ્ધિ અને આત્માનો સંતુલિત વિકસ અને નૈતિક ઉન્નતિ જ શિક્ષણનો સાચો ઉદ્ેશ છે. એમનો મંત્ર હતો કે વિદ્યાર્થીના મનમાં આપણા રાષ્ટ્ર, આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને સભ્યતા પ્રત્યે શ્રદ્ધા જાગે તેવું શિક્ષણ આપવું જોઇએ. આ શ્રદ્ધાનો આધુનિક યુગના જ્ઞાન વિજ્ઞાન સાથે મેળ બેસાડીને વિદ્યાર્થીને સમર્થ નાગરિક બનાવવાની અને આપણા ગૌરવમય અતિતને અનુરૂપ ભવ્ય ભારતના નિર્માણ માટે સક્ષમ બનાવવાનો સંકલ્પ હતો.