પાટણના ગંજબજારની પેઢીના વેપારીને ગોલાપુર ગામે જુના લેણી રકમની લેતીદેતી માટે ફોન કરી બોલાવીને તાજપુર ગામની મહિલાએ મામાના છોકરાઓની મદદથી બંનેના વાતચીત કરતાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી રૂ.1 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ મહિલા સહિત 6 શખ્સોએ વધુ રૂ.1 લાખ લેવા માટે વેપારીને ઘરે જઇને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની વેપારીએ પાટણ બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરમાં રહેતા બાબુભાઇ મેઘરાજભાઇ ચૌધરીએ તેમના વતન સરસ્વતી તાલુકાના ભૂતીયાવાસણા ગામની પચ્ચીસેક વીધા જમીન 5 વર્ષ અગાઉ વાવેતર અર્થે ગીરધારજી ઠાકોર રહે.તાજપુરને ભાગેથી વાવવા આપી હતી. ત્યારે ગીરધારજીની પત્ની, 2 દિકરા અને દિકરી કાજલબેન બધા પરીવાર સાથે રહેતા હોઈ પરિચયમાં આવ્યા હતા. કાજલબેનના પતિને એક વર્ષ અગાઉ પાટણ હોસ્પિટલ દાખલ હતા ત્યારે રૂ.20,000 સારવાર માટે આપ્યા હતા.તે પછી અવારનવાર કાજલબેનને સાથે ફોનથી વાતચીત થતી હતી.
ઘણાસમય થયા પછી રૂ.20,000ની ઉઘરાણી કરતા કાજલબેને તેના મામાના બોર ઉપર ગોલાપુર ગામે દિવાળીના દિવસે બોલાવ્યા હતા. ત્યારે તેણીના મામાના 2 દિકરાઓએ બાબુભાઇ અને કાજલબેનના ફોટા પાડી લઇ રૂ.1 લાખ આપ નહીં તો તું અહીં કાજલને મળવા આવ્યો છે તેમ સંબંધીઓને કહીં દેવાની અને ફોટા વાયરલ કરેવાની ધમકી આપી હતી. બાબુભાઇએ આબરૂની બીકના માર્યા બીજા દિવસે ગંજમાં પેઢીએ કાજલબેન સહિત 6 શખ્સો આવતા રૂ.1 લાખ રોકડા આપ્યા હતા.
ત્યારબાદ શખ્સોએ ફરીથી 9 નવેમ્બરે પેઢીએ આવીને ફરીથી રૂ.1 લાખની માંગણી કરી હતી.પરંતુ 21 નવેમ્બરે બપોરે દોઢેક વાગે તમામ શખ્સો પેઢીએ આવતા ત્યાંથી કાઢી મુકતાં પાટણ ખાતે બાબુભાઇના મકાનમાં બળજબરીપૂર્વક ઘૂસી જઈ રૂ.1 લાખ માંગણી કરી નહિ આપો તો ફોટા વાયરલ કરી ખોટો કેસ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે બાબુભાઇ ચૌધરીએ પાટણ બી ડીવીજન પોલીસ મથકે ઠાકોર કાજલબેન ગીરધારજી રહે.તાજપુર, ઠાકોર બલાજી અનારજી રહે.ગોલાપુર, ઠાકોર ચંદનજી રહે.તાજપુર, ઠાકોર નવઘણજી ચંદનજી રહે.તાજપુર, એક સગીર અને સગીરા રહે.ગોલાપુર સામે ફરિયાદ નોંધાવી હતી.
તપાસ અધિકારી પીએસઆઇ બી.સી.છત્રાલીયાએ જણાવ્યુ કે મુખ્ય મહિલા આરોપી કાજલબેન ઝડપી પાડી છે. તેમજ અન્ય 5 શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરી છે તેમા 2 આરોપીઓ 18 વર્ષ કરતા નાના છે.