ગુજરાતભરમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. બધા લોકો ચૂંટણીના કામમાં જોડાઈ ગયા છે ત્યારે બીજી બાજુ અધિકારીઓ તથા પોલીસની ટીમ ચૂંટણી દરમ્યાન રાજ્યમાં કઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદા વ્યવસ્થા વધુ કડક કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે.
જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના જસદણ પાસેથી દારૂનો મોટો જથ્થો જપ્ત થયો છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટના જસદણમાં થી ૨૪૦૦ બોટલ દારૂની બોટલ પોલીસે ઝડપી પાડી છે. હાલ વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ચૂંટણી સમયે જસદણ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ પોલીસે પકડતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ આ ઘટના જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામની છે. જ્યાં સીમ વિસ્તારમાં આવેલ સાબુના કારખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.
જસદણ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો પકડી પાડયો છે. વિદેશી દારૂ બોટલ નંગ 2400 તેમજ ફોરવીલ તેમજ બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ.9.75.000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જસદણ પોલીસ દ્વારા આરોપી ધવલ રસિકભાઈ સાવલિયા રહે.રાજકોટની અટકાયત કરી છે. જ્યારે જાવિદ બાટવા વાળા (ઉપલેટા રહેવાસીની) અટકાયત કરાઈ નથી. જસદણ પોલીસે અધધ દારૂ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.