ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામની સીમમાં આવેલા મંદિર પાસેની જગ્યામાં મંદિરના સાધુ દ્વારા ગાંજાનુ વાવેતર કર્યાની એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે રેડ કરવામાં આવતા રૂ. 2.42 લાખના ગાંજાના છોડ સાથે મંદિરના સાધુને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાધુ પોતાને ગાંજો પીવા માટે વાવેતર કરવામાં આવતુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતુ.
….
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાનુ વાવેતર અવારનવાર ઝડપાય છે. ત્યારે જિલ્લા પોલીસવડા હરેશ દુધાત દ્વારા કેફી પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની સુચનાને લઈને એસઓજી પીઆઈ સંજયસિહ જાડેજા અને સ્ટાફના ધનશ્યામભાઈ, જયરાજસિંહ, પ્રવિણભાઈ, દાજીરાજસિંહ, મહીપાલસિંહ, પરશોતમભાઈ, મીતભાઈ, બળભદ્રસિંહ અને પ્રીયન્કાબેન દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રા-નારીચાણા રોડ પર જશાપર ગામની સીમમાં વોચ ગોઠવી હતી. જેમાં તપાસ કરતાં આવળધામ મંદિર પાસે ગેરકાયદે રીતે ગાંજાનુ વાવેતર કર્યાનું જણાતા રેડ પાડી હતી.
જેમાં રૂ. 2,42,500ની કિંમતના 24 કિલો અને 250 ગ્રામ ગાંજાના 27 નંગ છોડ સાથે મંદિરના પુજારી અને સાધુ ધોરીજી તાલુકાના ભાડેર ગામના મયુરદ્ધવજસિહ ઉર્ફે મણીરામદાસબાપુ ગુરુ ગીરનારીબાપુ ચદ્રસિંહ વાઘેલાને ઝડપી પાડયા હતા અને સાધુ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા ગુનો નોંધી મુદામાલ હવાલે કરી વધુ તપાસ એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા કરી રહ્યા છે. આ આરોપી દ્વારા ગાંજાનુ વાવેતર કરી પોતાના પીવા માટે કરવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે. ત્યારે આ મંદિર પાસે કેટલા સમયથી તેમજ કેવી રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવતુ હતુ ? ની તપાસ હાથ ધરી હતી.