ચાણસ્મા નગરમાં આડા સંબંધોની શંકાને લઇ હત્યાના કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયો

ચાણસ્મા નગરમાં બે વર્ષ પૂર્વે થયેલી એક હત્યાનાં કેસ મામલે પાટણની સેશન્સ કોર્ટે આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં ખુદ ફરીયાદી મહિલા પણ હોસ્ટાઇલ જાહેર કરાઇ હતી અને અન્ય સાક્ષીઓ પણ ફરી ગયા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, ચાણસ્મામાં રહેતા સંજયભાઈ ઓધારભાઈ રાવળની પત્ની સાથે તેમનાં કુટુંબનાં થતાં નવીન રાવળને આડા સંબંધોની શંકા હોવાથી બંને વચ્ચે અગાઉ માથાકૂટ થઇ હતી. એ પછી તા. 18-4-20નાં રોજ સંજયે નવીનનાં ઘેર જઇને તેને ગુપ્તી જેવા હથિયારથી મારતાં ગંભીર ઇજા થઇ હતી. આ બનાવ બનતા નવીનની માતા વચ્ચે પડતાં તેનાં હાથની આંગણીએ પણ ઇજા થઇ હતી. ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસડાતાં તેને મૃત જાહેર કરાયો હતો.

આ બનાવ અંગે હત્યાની ફરીયાદ નોંધાઈ હતી. જે કેસ ચાલી જતાં આ કેસની ફરીયાદી મૃતક નવીનની માતા કમુબેન ફરીયાદ તથા કેસની હકીકતોને સમર્થન આપ્યું ન હોવાથી તેમને ફરી ગયેલા જાહેર કરાયા હતાં અને આ કેસમાંથી પાટણનાં સેશન્સ જજ એન.એસ. પ્રજાપતિએ બંને પક્ષોની રજૂઆતો સાંભળીને આરોપી સંજયને શંકાનો લાભ આપીને છોડી મૂક્યાનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *