લૂંટ વિથ મર્ડર:વડોદરામાં વહેલી સવારે લૂંટારુએ ઘરની લાઈટ કાપી નાખી, વૃદ્ધા ગરમીથી બચવા બહાર આવતાં ગળું કાપી દાગીના લઈ ફરાર
CRIME / વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી સવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં લૂંટારુએ ઘરમાં લાઈટ કાપી નાખતા 70 વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્સ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લીધી છે.
CRIME / વૃદ્ધા ઘરની બહાર નીકળતાની સાથે જ લૂંટારુએ હુમલો કર્યો
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ, વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તરસાલી રોડ ભાયલાલ પાર્ક ટેનમેન્ટમાં લૂંટ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે. સવારના ચાર વાગ્યાની આસપાસ લૂંટારુએ લૂંટના ઈરાદે ઘરની લાઈટ કાપી નાખી હતી. જેથી ગરમી લાગતા અને ઘરની લાઈટ જતા 70 વર્ષીય સુખજીત કૌર બહાર નીકળ્યા હતાં. દરવાજો ખોલતાની સાથે જ લૂંટારુએ તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. વૃદ્ધાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને સોનાની ચેન અને કાનની બુટ્ટી લઈને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. લૂંટારુ વૃદ્ધાનું ગળું કપી નાખતા ઘરના ઉંબરા પાસેથી લોહીનો રેલો ચાલ્યો હતો અને વૃદ્ધાનું સ્થળે જ મોત નીપજ્યું હતું.
CRIME / ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા
આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવ અંગે જાણ થથા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા પણ સ્થળે દોડી ગયા હતાં. સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
CRIME / લૂંટારુઓએ આવીને પ્રથમ મારા ઘરની લાઈટ બંધ કરી હતીઃ મહિલાના પતિ
આ અંગે મહિલાના પતિએ જણાવ્યું હતું કે, લૂંટારુઓએ આવીને પ્રથમ મારા ઘરની લાઈટ બંધ કરી હતી. જેથી ગરમી લાગતા તે બહાર આવી હતી અને આ ઘટના બની હતી. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની છે. જેમાં લૂંટારુ સોનાની ગાળામાં પહેરેલી ચેન અને બુટ્ટી લઈ ફરાર થઇ ગયા હતા.
ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છેઃ CP
લૂંટ વિથ મર્ડર મામલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારનું જણાવ્યું હતું કે, આરોપીએ લાઇટ કટ કરીને લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાસ્થળે FSLની ટીમની મદદ લેવાઈ છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB, સ્થાનિક પોલીસની ટીમો બનાવી છે. ટેકનિકલ ટીમને પણ પોલીસે એક્ટિવ કરી છે. સમગ્ર ઘટનામાં આરોપી વહેલીતકે પકડાય તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લીધી છે.