ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ટીમે ત્રણ દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરિઝ જીત છતા ભારત માટે મુશ્કેલી ઓછી થઇ નથી.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ ડેથ ઓવર્સમાં ઘણા રન બનાવ્યા હતા. આ દરમિયાન ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનું પ્રદર્શન સામાન્ય રહ્યુ હતુ. હવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ મેચની આ સીરિઝ દ્વારા ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા ડેથ ઓવર્સમાં બોલિંગમાં સુધારો કરવા માંગશે. પ્રથમ ટી-20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાથી શરૂ થશે.
હાર્દિક-ભૂવનેશ્વર ટીમનો ભાગ નથી
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યુ હતુ કે ડેથ ઓવર્સની બોલિંગમાં સુધારાની જરૂરત છે. આ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમને પોતાના બે મુખ્ય બોલર હાર્દિક પંડ્યા અને ભૂવનેશ્વર કુમારની કમી જોવા મળશે, જેમણે ટી-20 વર્લ્ડકપ પહેલા આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ મોહમ્મદ શમી અત્યાર સુધી કોરોના સંક્રમણથી બહાર આવી શક્યો નથી અને તે આ ત્રણેય મેચમાં નહી રમી શકે.
લોકેશ રાહુલે ફોર્મ બતાવવુ પડશે
બેટિંગમાં કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાલી શક્યો નહતો અને તે તેની ભરપાઇ આ સીરિઝમાં કરવા માટે ઉતરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ફોર્મમાં છે અને રાહુલે પણ ઝડપથી રન બનાવવા પડશે. દિનેશ કાર્તિકને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ માત્ર આઠ બોલ રમવા મળી હતી અને રોહિત શર્મા પહેલા જ કહી ચુક્યો છે કે તેને ક્રીઝ પર વધારે સમય આપવાની જરૂરત છે.
ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ પહેલા ગ્રુપ તબક્કામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાશે પરંતુ સ્થિતિ અલગ હશે.
દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝમાં ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, શાહબાજ અહમદ, શ્રેયસ અય્યર