રન મશીન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારીના દમ પર ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ ત્રણ મેચની ટી-20 સીરિઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી છે. વિશ્વની વર્લ્ડ નંબર વન ટીમ ભારતે આ નિર્ણાયક મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 186 રન બનાવ્યા હતા, જેને ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. 2021 પછી રન ચેજ મામલે ભારતની ટી-20માં 14 મેચમાં આ 13મી જીત છે. આ જીત સાથે ભારતીય ટીમ પોતાની ધરતી પર સતત 10 સીરિઝ જીતી ચુકી છે.
સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી
ઓસ્ટ્રેલિયાએ આપેલા 187 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 30 રનના સ્કોર પર પોતાના બન્ને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ એક અને કેપ્ટન રોહિત શર્મા 17 રન બનાવીને આઉટ થયા હતા. તે બાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 62 બોલમાં 104 રનની સદીની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોચાડી દીધા હતા. સૂર્યકુમાર 36 બોલમાં 5 ફોર અને આટલી જ સિક્સરની મદદથી 69 રનની આક્રમક રમત રમી હતી.
વિરાટ કોહલીએ હાર્દિક સાથે મળીને અપાવી જીત
સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ ભારતને જીત માટે અંતિમ છ ઓવરમાં 53 રનની જરૂરત હતી અને કોહલીએ હાર્દિક પંડ્યા સાથે મળીને કાંગારૂઓનું કામ તમામ કરી દીધુ છે. વિરાટ કોહલીએ 48 બોલમાં 3 ફોર અને 4 સિક્સરની મદદથી 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને પોતાની કરિયરની 33મી અડધી સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા.