પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઇજાને કારણે એશિયા કપ 2022ની બહાર થઇ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેમના રિપ્લેસમેન્ટ તરીકે મોહમ્મદ હસનૈનને પાકિસ્તાનની ટીમમાં સામેલ કર્યો છે. પીસીબીએ સોમવારે તેની જાણકારી આપી છે. શાહીન શાહ આફ્રિદી જુલાઇમાં શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે રમાશે.
પીસીબીની મેડિકલ ટીમે શનિવારે જણાવ્યુ કે તેમણે ચારથી છ અઠવાડિયા અને આરામ કરવાની જરૂરત છે. 22 વર્ષના હસનૈને 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાકિસ્તાન તરફથી રમતા 17 વિકેટ ઝડપી છે. હસનૈન આ સમયે ધ હંડ્રેડમાં ઓવલ ઇન્વિન્સિબલ ટીમનો ભાગ છે અને યૂકેથી પરત ફરીને ટીમ સાથે જોડાશે.
શાહીન શાહ આફ્રિદીને ઘૂંટણમાં ઇજા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અનુસાર ઘૂંટણની ઇજા માટે સારી સુવિધા અને સંસાધનોને કારણે શાહીન શાહ આફ્રિદી દુબઇમાં પોતાનું રિહૈબિલિટેશન પૂર્ણ કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યુ કે શાહીન શાહ આફ્રિદી ટી-20 એશિયા કપ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સાત મેચની ટી-20 ઘરેલુ સીરિઝની બહાર થઇ ગયો છે. તે ઓક્ટોબરમાં ક્રિકેટમાં વાપસી કરશે જ્યારે ન્યૂઝીલેન્ડમાં ત્રિકોણીય સીરિઝ રમાશે, તે બાદ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાશે. શાહીન શાહ આફ્રિદીને ગત મહિને શ્રીલંકા વિરૂદ્ધ ગૉલ ટેસ્ટ દરમિયાન ઘૂંટણમાં ઇજા થઇ હતી. દુબઇમાં રમાનાર એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો સામનો 28 ઓગસ્ટે થશે.
ભારતીય ક્રિકેટ ટીમ 31 ઓગસ્ટે ગ્રુપની ત્રીજી ટીમ ક્વોલિફાયર સાથે ટકરાશે જ્યારે પાકિસ્તાનની ટીમ ક્વોલિફાયર વિરૂદ્ધ 2 સપ્ટેમ્બરે રમશે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ છે. બન્ને ગ્રુપની 2-2 ટીમ સુપર ફોર તબક્કા માટે ક્વોલિફાય કરશે.
એશિયા કપ 2022 માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઇસ કેપ્ટન), આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હૈરિસ રાઉફ, ઇફ્તિખાર અહમદ,ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર