વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ ના નેતા પદ નહીં મળે. પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે માંગ કરવામાં વિલંબ કર્યો હોવાની વાત પણ સામે આવી છે. જેનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો છે. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષી નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં.
આવતીકાલથી વિધાનસભાની બજેટ સત્ર શરૂ
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા આ નિમણુક કરવામાં આવી છે. આવતીકાલથી વિધાનસભાની બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે 22મીએ એટલે કે આજે બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બજેટમાં પેપરલીક વિરોધી બિલને સરકાર દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવી શકે છે. વધુમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 24 ફેબ્રુઆરીએ પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે આ બજેટ સત્ર 29 માર્ચ સુધી ચાલશે આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે.
કોંગ્રેસ પક્ષ દ્રારા હોદ્દેદારોની વરણી કરાઈ
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્રારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો.સી.જે.ચાવડાને નિમણુક કરાઈ છે તો ઉપ દંડક તરીકે કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા તેમજ ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. વધુમાં દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. એજ રીતે ડો.તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના પ્રવક્તા તરીકે નિમણૂક કરાઈ છે. વધુમાં ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પણ પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
25 દિવસ સુધી ચાલશે બજેટ સત્ર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. મળતી જાણકારી અનુસાર, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.