Congress : નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ:ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેન્સલ

Congress : સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

Congress : સુરત કલેક્ટર કચેરીએ 9 વાગ્યા પછી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. આ ડ્રામા વચ્ચે કુંભાણીના ફોર્મ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી. નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈ હવે નિર્ણય થશે. કોંગ્રેસની અરજી હતી કે ઊલટ તપાસ કરો પણ ટેકેદારો જ ન આવ્યા હોવાથી તપાસ થઈ શકી નથી.

Congress : અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલે ષડ્યંત્ર રચ્યુંઃ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા

આ મામલે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાવવા માટે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયાએ ષડ્યંત્ર રચ્યું છે. અપહરણમાં આ બન્ને જ ષડ્યંત્રકારી છે. જ્યારે બન્ને કોંગ્રેસમાં હતા ત્યારે નિલેશભાઈ સાથે તેમને નજીકના સંબંધ હતા. તેમજ નિલેશભાઈના આસપાસના લોકોને પણ તેઓ સારી રીતે ઓળખે છે. જો અત્યારે પોલીસ તપાસ કરે તો 16મી મિનિટ નહીં થાય, અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનું નામ ખૂલે તે જવાબદારીપૂર્વક કહું છું.

Congress : લોકશાહીનું ખૂન કરવાનું એક મોટું ષડ્યંત્ર: બાબુ માંગુકિયા

કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, અમારી દલીલ એ છે કે, લોકશાહીનું અપહરણ થઈ રહ્યું છે, ચાર જણાનું અપહરણ થયું છે, અમે ગઈકાલે કલેક્ટર સમક્ષ ફરિયાદ આપી છે. ટેકેદારોને એમની સમક્ષ લાવી સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવી ફરી એમને ગુમ કરી દેવામાં આવ્યા છે, આ ચારેય એફિડેવિટ શંકાના દાયરામાં છે, અમારા નોમિનેશન પેપરને કોઈએ ચેક કર્યું જ નથી તો લોકોને ખબર કેવી રીતે પડી કે આ અમારા ટેકેદાર છે?. ધારો કે અમારા ચાર ટેકેદારો છે એને ખબર પડે તો ચારેયનો સ્ટેમ્પ પેપર એક જ જગ્યાએ એક જ સિરિયલ નંબરમાં એક જ વ્યક્તિ કરી દે છે. એક જ નોટરી સમક્ષ ચારેય ચાર સોગંદનામાં થયાં છે. એક જ પ્રિન્ટર ઉપર આ ચારેય ચાર એક પ્રકારના લખાણમાં નામ ચેન્જ સિવાયના તમામ કોમ્પ્યુટર કોપી છે. આ બતાવે છે કે આ એક સ્પોન્સર્ડ ગેમ છે, કાવતરું છે, લોકશાહીનું અપહરણ કરવાનું, લોકશાહીનું ખૂન કરવાનું એક બઉ મોટું ષડ્યંત્ર છે. નિલેશ કુંભાણી પાછળના દરવાજાથી કલેક્ટર કચેરીથી રવાના થયા છે. બાબુ માંગુકિયાએ કહ્યું કે, તે મીડિયાથી ગભરાય છે. જો તમારે એમની સાથે વાત કરવી હોય તો હું થોડીવારમાં એમને લઈને આવું. નિલેશ કુંભાણી પાછળના દરવાજાથી કલેક્ટર કચેરીથી રવાના થયા છે.

Congress : નિયમ પ્રમાણે ટેકેદારે કલેક્ટરની હાજરીમાં સહી કરવાની ન હોય’

બાબુ માંગુકિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ફોર્મ સ્વીકારવું જ પડે અને 2022ની ચૂંટણીમાં આપના ઉમેદવારના કેસમાં આવો જ બનાવ બન્યો હતો. જેમાં રિટર્નિંગ ઓફિસરે ફોર્મ સ્વીકાર્યું હતું. ટેકેદારો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવ્યા હતા પણ મર્યાદિત સંખ્યાને કારણે પોલીસે અંદર જવા દીધા નહોતા, જો તેમણે સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં આવે જ નહીં. નિયમ પ્રમાણે ટેકેદારે કલેક્ટરની હાજરીમાં સહી કરવાની ન હોય.

‘ડમી ઉમેદવાર મળતા નથી’

Congress : આ એક મહત્ત્વનું પાસું છે કે ક્યાં ષડ્યંત્ર થયું છે.આ ચારેયે મીડિયા સમક્ષ આવીને કહેવું જોઇએ કે અમારી સહી નથી અને આ અમારો સાળો ખોટું બોલે છે. મારી સહી જ નથી, પરંતુ આમ થતું નથી તેનો અર્થ એ થાય કે તેમનું અપહરણ થયું છે. તેમને એવી જગ્યાએ રાખી બોલાવી લેવામાં આવ્યું છે કે, અમે સહી કરી નથી. જો મારો સગો બનેવી ન મળી શકતો હોય, બીજા મારા ભાગીદાર મળી શકતા ન હોય, બીજા મારા ખાસ ટેકેદાર મળી શકતા ન હોય. તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઇ શકે નહીં. અને જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ થઈ જાય અને તમે મૂક પ્રેક્ષક બની રહો છો તો એનો અર્થ એ થાય કે તમે ષડ્યંત્રકારી છો. જ્યારે ડમી ઉમેદવાર અંગે બાબુ માંગુકિયાએ કહ્યું કે, ડમી ઉમેદવાર મળતા નથી. હું તેનો સંપર્ક કરી શકતો નથી.

Congress : માણસ બોલીને ફરી જાય એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય: ઝમીર શેખ

ઝમીર શેખ જણાવ્યું કે, ગઈકાલે ચારે ચાર ટેકેદાર કલેક્ટરની સામે આવ્યા અને કેમેરા સામે બોલી ગયા આ સવાલનો જવાબ આપી દઉં. 164 મુજબ જ્યારે પણ કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે પણ લોકો ડરના માર્યા ખોટું બોલી જાય છે કારણ કે જજ સાહેબની ચેમ્બર બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટરની સામે જે માણસ ઊભો છે તેને કોણ લઈને આવ્યું તેને કોણ બહાર લઈને જાય છે એ તપાસનો વિષય છે. ભાજપની રજૂઆત છે કે, સહી ટેકેદારોની છે એવું જાતે કહી ગયા તેનો જવાબ એવો છે કે, ઘણીવાર માણસ બોલીને ફરી જાય છે એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય.

ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં

હજી સુધી કોઈ ટેકેદાર હાજર થયા નથી, હવે 11 વાગ્યા સુધી રાહ જોવાશે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એડવોકેટની ટીમ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, તેમનું કહેવું હતું કે, ટેકેદાર આવી જશે. કલેક્ટર કચેરીમાં ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં. જોકે એક ટેકેદાર રમેશ પોલરા હાજર થઈ ગયો હોવાની માહિતી મળી હતી. બંને પક્ષના વકીલો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

Congress : ટેકેદાર હાજર ન થાય તોય ફોર્મ મંજૂર થશે: ઝમીર શેખ

કોંગ્રેસ પક્ષના એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું કે, આજનો 9 વાગ્યાનો સમય આપ્યો છે, મારી રજૂઆત કાયદાના ઉપર જ થશે, કોઈ પણ ક્રાઈમ થયો હોય તો તેની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્ત્વની વાત એ છે કે, એનો હેતુ (મોટિવ) હોવો જોઈએ, પણ અહીંયાં મોટિવ કોઈ છે જ નહીં, શું કામ કોઈ કોઈની ખોટી સહીઓ કરે. ટેકેદારોનો કોઈ સંપર્ક થયો છે કે કેમ એવું પૂછતા તેમણે કહ્યું હતું કે, એ તમારે નિલેશભાઈને પૂછવું પડશે. મારું કામ દલીલો કરવાનું છે. જો કોઈ ટેકેદાર હાજર ન થાય એને લઈ પૂછતા તેમણે કહ્યું કે, તોય ફોર્મ મંજૂર થશે.

Congress : હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણીની અપીલ કરી હતી

નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ હાઈકોર્ટ એડવોકેટ બાબુ માંગુકિયાએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તેઓના જણાવ્યા મુજબ HCમાં હેબિયસ કોર્પસ માટે હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણીની અપીલ કરી હતી. કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ટેકેદાર દ્વારા કરાયેલા આક્ષેપ અંગે ત્રણ અરજી કરાઈ હતી. આજે એની સુનાવણી છે. ત્રણ ટેકેદારોએ જે સહી કરી તે તેઓની હાજરીમાં કરવામાં આવી હતી. ત્રણેય ટેકેદારોને કલેક્ટર કચેરીમાં હાજર કરી ઊલટ તપાસ કરાશે. આ લોકશાહીનું અપહરણ નહીં પરંતુ હત્યા છે. ડરાવી, ધમકાવી, લોભ-લાલચ આપી ફોર્મમાં સહી ખોટી હોવાનું કહેવડાવ્યું છે. અમે હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ કરીએ છીએ તેવું તેમણે કહ્યું હતું.

શું આજે બધું સ્પષ્ટ થશે?

વધુમાં જણાવતા બાબુ માંગુકિયાએ કહ્યું હતું કે, જગદીશ સાવલિયા અને નિલેશ કુંભાણી સગા બનેવી છે. ધ્રુવીન ધામેલિયા ભાણેજ છે. આ ત્રણેય લોકોએ ટેકેદારોની સહી કરી ન હોવાના આક્ષેપ કર્યા છે. ત્રણેયના અપહરણની લેખિતમાં અરજી કરી છે. અમે ચૂંટણીનું મેદાન છોડી ભાગવાવાળા નથી. ત્રણેય ટેકેદારો ભાજપના એજન્ટની હાજરીમાં હાજર થયા હતા. અમે ત્રણેય ટેકેદારનો સંપર્ક કરી રહ્યા છીએ. ત્રણેયના મોબાઈલ પણ બંધ આવે છે.

ભાજપના તમામ દાવપેચ સામે કોંગ્રેસની જીત થશે: મનીષ દોશી

સુરત કોંગ્રેસની ઉમેદવારીની પડેલી ગૂંચ અંગે મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપે આખું તંત્ર ઊભું કર્યું છે. ટેકેદારો સાથે વહેવાર કર્યા બાદ વાંધો ઊભો થયો છે. મારી લીગલ ટીમ દ્વારા હાલ સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે. મારી રજૂઆત બાદ અમને વધુ સમય આપવામાં આવ્યો છે. ભાજપ પ્રશાસનનો ઉપયોગ કરી રહ્યું છે. તંત્ર ભાજપ સામે નતમસ્તક છે. જે રમત રમાઈ છે અને જે કરવામાં આવ્યું છે તે અમે ખુલ્લું પાડીશું. વધુમાં જણાવતા કહ્યું કે, ચૂંટણીપંચને વિનંતી છે કે, ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે. ભાજપના તમામ હથકંડા સામે કોંગ્રેસની જીત થશે. અધિકારીઓ અને તંત્ર હજુ સુધી કેમ ચૂપ છે? પ્રશાસન ભાજપના આદેશથી કે ચૂંટણીપંચના આદેશથી કામ કરે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *