કોરોનાકાળ દરમ્યાન માર્ચ- ૨૦૨૦ પછી માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકો માટે રાજય સરકારે મુખ્ય મંત્રી બાલસેવા યોજનાનો આરંભ કર્યો છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લામાં કોરોનાકાળમાં અનાથ બનેલાં બાળકોને આપવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ડેટા કલેકશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.કોરોના મહામારીની બીજી લહેરમાં રાજયમાં અનેક લોકોના મોત થયા છે. કેટલાંક પરિવારોમાં માતા- પિતા મૃત્યૃ પામતાં બાળકો નિરાધાર બન્યા છે. આવા નિરાધાર બાળકોનો સહારો બનવા માટે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાલસેવા યોજના અમલી બનાવવામાં આવી છે.
આ બાલ સેવા યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકને યોજના અંતર્ગત માસિક રૂપિયા ૪ હજારની સહાય આપવામાં આવશે. તેમજ ૧૮ વર્ષ પૂર્ણ થયેથી ૨૧ વર્ષ સુધીના અનાથ પુખ્ત બાળકોને અભ્યાસ અર્થે આફટર કેર યોજના અંતર્ગત માસિક રૂપિયા ૬ હજારની સહાય આપવામાં આવે છે.ગાંધીનગર જિલ્લામાં નિરાધાર બનેલા બાળકોની જાણ થયેથી જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, એ- બ્લોક, ભોયતળિયે, સહયોગ સંકુલ, પ્રથિકાશ્રમની બાજુમાં, સેકટર- ૧૧, ગાંધીનગરનો સંપર્ક કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.