CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી, શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ સાથે ઈઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ
CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૦માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી. આ યોજનાની ઉત્તરોત્તર સફળતાને પગલે તેને 2026-27 સુધી ચાલુ રાખવામાં આવી છે.
મનપા અને નપાને 253.94 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી
નગરો-મહાનગરોમાં લોક સુવિધા-સુખાકારીના કામો માટે આ યોજના અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રકમ ફાળવવામાં આવે છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે જસદણ નગરપાલિકાને ભાદર નદી પર રિવરફ્રન્ટના આગવી ઓળખના કામ માટે રૂ. 6 કરોડ, હાલોલ નગરપાલિકામાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ.10.29 કરોડ અને વિરમગામ નગરપાલિકામાં રોડ વાઈડનીંગ અને નવીન ફોર્ટ વોલ માટે રૂ.8.64 કરોડના કામોની મંજૂરી આપી છે. એટલું જ નહીં, જુનાગઢ મહાનગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યા મંદિર બિલ્ડીંગ હેરિટેજના કામ માટે ૪૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ શહેરમાં આ સુવિધમાં વધશે
શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામોમાં હેરિટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ્સ, વોટર બોડી લેન્ડ સ્કેપિંગ, રીવરફ્રન્ટ, લેક બ્યુટીફિકેશન, મ્યુઝિયમ, આઈકોનિક બ્રિજ વગેરે કામો તેમજ શહેરોની શોભામાં અભિવૃદ્ધિ કરતા આઇકોનિક કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પારડી નગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂપિયા 25.29 કરોડ તથા પાટણ નગરપાલિકાને આ જ પ્રકારના કામો માટે રૂપિયા 25.52 કરોડ મંજૂર કર્યા છે. વેરાવળ-પાટણ નગરપાલિકાને સોમનાથ ટ્રસ્ટ એરીયા અને વેરાવળ પાટણના બાકી રહેતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો માટે રૂ.26.69 કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.
બિલીમોરા નપાને રૂ.9.11 કરોડ ભૂગર્ભ કરોડ યોજના માટે મંજૂર
આ ઉપરાંત તેમણે કરમસદ નગરપાલિકાને રૂ.24.54 કરોડ, ઉમરગામ નગરપાલિકાને રૂ.14.93 કરોડ તથા બિલીમોરા નગરપાલિકાને રૂ.9.11 કરોડ ભૂગર્ભ કરોડ યોજના માટે મંજૂર કર્યા છે. ભૌતિક આંતરમાળખાકિય સુવિધાના આ કામો અન્વયે સમગ્રતયા કુલ રૂ.126.08 કરોડના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, વોટર, ડ્રેનેજ કામો, જળસિંચનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો હેઠળ બોટાદ નગરપાલિકાને સી.સી. રોડ બનાવવાના 60 કામો માટે રૂ.5.94 કરોડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોરબંદર-છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન, સી.સી. રોડ અને LED સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 53.68 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં 2.1 કિ.મી. લંબાઇના NHAIના રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રૂ.2.52 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુક્શાન પામેલા રસ્તાઓના રિસર્ફેસીંગ-રીપેરીંગ માટે 80 લાખ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 2010થી અત્યાર સુધીમાં 61,977 કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે. આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના 67,360 કામો મંજૂર કરીને રૂ. 32,647 કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ 6462 કામો માટે રૂ.3110.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના 1214 કામો માટે રૂ.1887.56 કરોડ ચૂકવવામાં આવેલા છે. એટલું જ નહીં, આગવી ઓળખના 201 કામો માટે રૂ. 1561.11 કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે. નગરો ,મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 43,804 કામોને મંજૂરી આપીને રૂ.2431.51 કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.