CHINESE LACE : અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જીવલેણ ચાઇનીઝ દોરીનો ₹ 1.5 કરોડ થી પણ વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા દાદરા-નગર હવેલીની ફેક્ટરી સહિત વટવા, બાવળામાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રૂ. 1.5 કરોડથી વધુ કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો.

CHINESE LACE : ઉત્તરાયણના તહેવાર પૂર્વે ગુજરાત પોલીસે જીવલેણ ચાઇનીઝ દોરી સામે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમોએ રાજ્યમાં પ્રથમ વખત આ જીવલેણ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચીને મોટો રેકેટ ઝડપ્યો છે.આ કાર્યવાહીમાં રૂ. અઢી કરોડથી વધુ કિંમતનો મસમોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણી શકાય.ચાઇનીઝ દોરી કાચ કે મેટલથી કોટેડ હોવાથી અત્યંત તીક્ષ્ણ હોય છે અને તેનાથી માનવજીવન તેમજ પક્ષીઓને ગંભીર ઇજા થાય છે.
દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન આવા અકસ્માતોમાં ગળા કપાવાના કે મોતના કિસ્સા સામે આવે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હરિયાલી અદાલત (NGT)એ ચાઇનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.અમદાવાદ ગ્રામ્ય SOGની અલગ-અલગ ટીમોએ સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી મોટા ગોડાઉનમાંથી વિશાળ જથ્થો ઝડપ્યો હતો.
આ ઉપરાંત વટવા, બાવળામાં પણ દરોડા પાડી વધુ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.તપાસમાં ખુલ્યું કે આ દોરીનું ઉત્પાદન દાદરા અને નગર હવેલીમાં એક ફેક્ટરીમાં થતું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તે ફેક્ટરીને સીલ કરાવી દીધી છે.આ કાર્યવાહીને રાજ્યમાં પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે, કારણ કે અગાઉ માત્ર વેચાણ કે સ્ટોક જપ્ત થતો હતો, પરંતુ આ વખતે ઉત્પાદનના સ્ત્રોત સુધી પહોંચવામાં સફળતા મળી છે.