રસીકરણ માટે 774 બુથ, 120 મોબાઇલ ટીમ સજ્જ
ગાંધીનગર
કોરોનાવચ્ચે પોલિયો નાબૂદી અભિયાન પણ ચલાવાશે. જેમાં જિલ્લાના 173146 બાળકોને પોલિયોના બે ટીપા 17 જાન્યુઆરીએ પીવડાવાશે. જિલ્લાનું એકપણ બાળક પોલીયોથી વંચિત રહે નહી તે માટે 774 બુથ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત 120 મોબાઇલ ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. નવા વર્ષમાં ઉત્તરાણ પછી કોરોનાની વેક્સિનની સાથે સાથે પોલીયોના ટીપા પીવડાવવાની બેવડી કામગીરી જિલ્લા આરોગ્ય તંત્રના શિરે આવશે. આથી આરોગ્ય તંત્રને કોરોનાની રસીને આપવાની સાથે સાથે જિલ્લાના 5 વર્ષની નાના એકપણ બાળકો પોલીયોથી વંચિત રહે નહી તેની પણ તકેદારી રાખવી પડશે. જોકે પોલીયો નાબુદી અભિયાનની શરૂઆત 17 જાન્યુઆરી રવિવારે શરૂ થશે.
ત્યારબાદ ત્રણ દિવસ સુધી ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા 5 વર્ષના નાના બાળકોને પોલીયોના ટીપાં આરોગ્ય તંત્ર દ્વારા પીવડાવવામાં આવશે. જોકે જિલ્લામાં પોલીયોના ટીપાં પીવડાવવાની કામગીરી પ્રથમ દિવસે જ 90 ટકાની આસપાસ પૂર્ણ થઇ જાય છે. જોકે દર વર્ષે લગ્નસીઝન હોવાથી બાળકો પોલીયોના ટીપા પીવાથી વંચિત રહેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે લગ્નની સીઝન પણ ફિક્કી રહેતી હોવાથી પ્રથમ દિવસે જ કામગીરી 90 ટકાથી વધુ પૂર્ણ થવાની શક્યતા રહેલી છે.