માંતેલા સાંઢની જેમ આવતી કારે ત્રણને અડફેટે લીધા CCTV

માંતેલા સાંઢની જેમ આવતી કારે ત્રણને અડફેટે લીધા CCTV:બોડેલીમાં નાસ્તાના ઠેલામાં કાર ઘૂસી; ચારેતરફ અફરાતફરી મચી, કારચાલક કાર લઈ ફરાર

બોડેલી છોટાઉદેપુર હાઈવે ઉપર રસ્તાની બાજુના ખાણીપીણીના ઠેલામાં ગઈ રાતે એક કાર ઘૂસી ગઈ હતી. જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો છે. બોડેલી પોલીસે કારની તપાસ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

બોડેલીમાં નાસ્તાના ઠેલામાં કાર ઘૂસી

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં મોડીરાત સુધી ખાણીપીણી માટે લારીઓ, ઠેલાઓ તેમજ હોટલો ધમધમે છે, સાથે સાથે આખી રાત ટ્રાફિકથી રસ્તાઓ ધમધમે છે. ગઇકાલે મોડીરાત્રે છોટાઉદેપુર હાઈવે પર એક તંબુમાં ચાલી રહેલા ચાઈનીઝના ઠેલામાં માંતેલા સાંઢની જેમ એક કાર ઘૂસી ગઈ હતી, જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા લોકો હેબતાઈ ગયા હતા. કાર આવતી હોવાની જાણ થતાં જ બધા લોકો નાસ્તો કરતાં કરતાં ઊભા થઈને ભાગ્યા હતા છતાં માંતેલા સાંઢની જેમ આવેલી કારે ત્રણ જણાને અડફેટે લીધા હતા, જોકે કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.

માંતેલા સાંઢની જેમ આવતી કારે ત્રણને અડફેટે લીધા

પ્રાપ્ત CCTVમાં જોઈ શકાય છે કે તારીખ 10/12/2024ની રાત્રે એક વાગે એક ઠેલા પર ત્રણ લોકો નાસ્તો કરવા બેઠા છે. જ્યારે ઠેલાની બહારની સાઈડ એક વ્યક્તિ નાસ્તો બનાવી રહી છે, તો અન્ય એક વ્યક્તિ ગ્રાહકોને નાસ્તો આપવાનું કામ કરી રહી છે. આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને નાસ્તો કરતા લોકોને અડફેટે લે છે. કાર એટલી સ્પીડમાં હોય છે કે લોકો કાંઈ સમજે એ પહેલાં જ ઠેલામાં અફરાતફરી મચી જાય છે, બધો સામાન વેરવિખેર થઈ જાય છે. જોકે કાર આવતાં લોકો દોટ મૂકી આમતેમ ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઠેલામાં નાસ્તો કરી રહેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થાય છે. મળતી માહિતી મુજબ, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજા થઈ છે.

પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી

સમગ્ર ઘટના બાબતે બોડેલી પોલીસ મથકના પી.આઇ. ડી.એસ. વાઢેરે જણાવ્યું હતું કે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની માહિતી મેળવી. કારની ઓળખ કરી કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :- બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા પર અત્યાચાર સામે અમદાવાદમાં વિરોધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *