તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોના મોત થયા છે. બંને દેશોની મદદ માટે ભારતની બચાવ ટીમો પણ આ દેશોમાં અભિયાન ચલાવી રહી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે 10 ભારતીયો તુર્કીમાં ફસાયેલા છે. જયારે એક ભારતીય ગુમ હોવાનું કહેવાય છે.
વિદેશ મંત્રાલય (MEA)માં સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ જણાવ્યું હતું કે ગુમ થયેલ ભારતીય નાગરિક તુર્કીના વ્યવસાયિક પ્રવાસ પર માલ્ટામાં હતો. તેના વિશે કોઈ માહિતી મળી નથી. તેમણે કહ્યું કે તુર્કી માટે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ ભારત સતત તેના નાગરિકોના સંપર્કમાં છે. વર્માએ કહ્યું કે છેલ્લા બે દિવસથી એક ભારતીયનો પત્તો લાગ્યો નથી. અમે તેમના પરિવાર અને બેંગલુરુમાં તેને નોકરી આપનાર કંપનીના સંપર્કમાં છીએ.
રાહત કાર્યમાં આવી રહી છે મુશ્કેલીઓ
સંજય વર્માએ કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે તાપમાન શૂન્યથી નીચે રહેવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જયારે પરિવહન અને સંદેશાવ્યવહારની લિંક્સ ખોરવાઈ ગઈ છે. સેલફોન ટાવરને થયેલી અસરને કારણે લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે તુર્કીમાં ફસાયેલા લોકો વિશે માહિતી આપવા માટે અંકારામાં એક વિશેષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવી છે. સંજય વર્માએ કહ્યું કે અમને લગભગ 75 લોકોના ફોન આવ્યા જેમણે દૂતાવાસ પાસેથી માહિતી અને મદદ માંગી. તેમણે કહ્યું કે અમારો સંપર્ક કરનારા ત્રણ ભારતીયો હવે સુરક્ષિત આવાસમાં ચાલ્યા ગયા છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે ટીમો પહેલેથી જ નિયુક્ત કરી દીધી છે.
NDRFની ટીમો ચલાવી રહી છે બચાવ કાર્ય
NDRFના મહાનિર્દેશક અતુલ કરવલે કહ્યું કે ભારતે તુર્કીમાં ચાર એરક્રાફ્ટ મોકલ્યા છે, જેમાં બે NDRF ટીમો અને બે C-17 મેડિકલ ટીમ છે. તેમણે કહ્યું કે અમે સી-130 એરક્રાફ્ટ પણ સીરિયામાં મેડિકલ સપ્લાય અને સાધનો સાથે મોકલ્યું છે. કરવલે કહ્યું કે ટીમો પાસે 15 દિવસના ઓપરેશન માટે રાશન અને ટેન્ટ છે. આ ટીમોમાં સાત વાહનો, ચાર સ્નિફર ડોગ્સ, પાંચ મહિલાઓ સહિત 107 બચાવકર્તાનો સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત આ પ્રકારની કામગીરી માટે પહેલીવાર ગયા છે. ત્રીજી ટીમની જરૂર હતી, તેને બુધવારે વારાણસીથી એરલિફ્ટ કરવામાં આવી. ટીમમાં 51 બચાવકર્મીઓ અને ચાર વાહનોનો સમાવેશ થાય છે.