કેનેડા વિશ્વનો પ્રથમ દેશ જ્યાં પ્રત્યેક સિગારેટ પર એક ચેતવણી છાપવામાં આવશે
કેનેડા વિશ્વનો પ્રથમ એવો દેશ બનવા જઈ રહ્યો છે જ્યાં પ્રત્યેક સિગારેટ પર એક ચેતવણી છાપવામાં આવશે. કેનેડામાં હવે દરેક સિગારેટ પર ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તે અંગેની ચેતવણી દર્શાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજથી 2 દશકા પહેલા કેનેડામાં જ તમાકુ પ્રોડક્ટ્સના પેકિંગ પર ચેતવણી તરીકે એક ગ્રાફિક ચિત્ર દર્શાવવાની નીતિ લાગુ કરવામાં આવી હતી. કેનેડા દ્વારા શરૂ કરવામાં આવેલી તે પોલિસીને સમગ્ર વિશ્વમાં અપનાવી લેવામાં આવી છે.
કેનેડાના માનસિક સ્વાસ્થ્ય મંત્રી કેરોલિન બેનેટે જણાવ્યું કે, તમાકુ પ્રોડક્ટ્સના પેકિંગ પર જે ચેતવણી આપવામાં આવે છે તેની અસર ઘટી ગઈ હોવાની ચિંતાના સમાધાન માટે આ યોજના બનાવવામાં આવી રહી છે. પ્રત્યેક તમાકુ પ્રોડક્ટ પર સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી લખવાથી સુનિશ્ચિત કરી શકાશે કે તે મેસેજ દરેક વ્યક્તિ સુધી પહોંચે. તેમાં ખાસ કરીને યુવા વર્ગનો પણ સમાવેશ થાય છે જેઓ એક વખતમાં એક જ સિગારેટ લે છે અને પેકેટ પર છાપવામાં આવેલી ચેતવણી નથી જોઈ શકતા.
કેનેડા વિશ્વનો પ્રથમ દેશ જ્યાં પ્રત્યેક સિગારેટ પર એક ચેતવણી છાપવામાં આવશે
આ બદલાવ લાગુ કરવા માટે શનિવારથી ચર્ચા શરૂ થશે. સરકારને એવી આશા છે કે, વર્ષ 2023ના પાછળના 6 મહિનાઓમાં જ આ ફેરફાર લાગુ થઈ જશે. સિગારેટ પર શું મેસેજ છાપવામાં આવશે તે અંગે વિચારણા ચાલી રહી છે પરંતુ વર્તમાન પ્રપોઝલમાં ‘પોઈઝન ઈન એવરી પફ’ એટલે કે, દરેક કસમાં છે ઝેર એવું સૂત્ર વિચારવામાં આવ્યું છે.
આ ઉપરાંત બેનેટે સિગારેટ પેકેટ માટેની વિસ્તૃત ચેતવણીઓનો પણ ખુલાસો કર્યો જેમાં ધુમ્રપાનના કારણે થતા પેટના કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, ડાયાબિટીસ સહિતના સ્વાસ્થ્ય પ્રભાવોની એક લાંબી યાદીનો સમાવેશ થાય છે.
કેનેડાએ પોતાના ત્યાં વેચાતા તમાકુ ઉત્પાદનો પર ફોટો ચેતવણી લગાવવી ફરજિયાત કરી દીધેલી છે. તે આદેશ 2000ની સાલથી લાગુ છે પરંતુ ઘણાં સમયથી તેમાં કોઈ અપડેટ નથી કરાઈ.
કેનેડા કેન્સર સોસાયટીના સિનિયર પોલિસી એનાલિસ્ટ રોબ કનિંઘમે જણાવ્યું કે, ‘આ પહેલ વિશ્વ સ્તરે એક મિસાલ કાયમ કરવા જઈ રહી છે.’ તેમને વિશ્વાસ છે કે, આ ચેતવણીથી વાસ્તવિક ફરક પડશે. આ એક એવી ચેતવણી હશે જેને નજરઅંદાજ કરવી મુશ્કેલ હશે. દરેક સ્મોકરને પ્રત્યેક કસ સાથે આ ચેતવણી મળશે.