વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.
વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે.
જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.