બોરસદના મહિલા મામલતદારે માતૃ વાત્સલ્યતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

બોરસદના મહિલા મામલતદારે માતૃ વાત્સલ્યતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

રિપોર્ટ :- બીના પટેલ

વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી સરકારી ગાડીમાં આશ્રય સ્થાનમાં પહોંચાડી વિપદની ઘડીમાં મહિલા મામલતદારે માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે – દીકરીની માતા વિદ્યાબહેન

બોરસદ તાલુકાના સીસવામાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીની સુચના અન્વયે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કુલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન મામલતદાર આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં લઈને નીકળવા માટે તૈયાર થતા નહોતા.

મામલતદાર આરતીબેન ગોસ્વામીએ બેનને સમજાવીને વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી અને પોતાની બાહોમાં લઈને નીકળી પડ્યા હતા.

મહિલા મામલતદારે સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને એની માતાને બેસાડીને સહી સલામત પટેલ વાડી ખાતે આશ્રયસ્થાનમાં પહોંચાડી માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

મામલતદારશ્રીએ જણાવ્યું કે આ કુદરતી આપદામાં પાણી ભરાઈ જવાથી જે તકલીફ પડે છે તેનાથી બચાવવા એ અમારી જવાબદારી અને પ્રાથમિક ફરજ છે.

નાના બાળક સાથે માતાને પટેલ વાડી ખાતે આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે એનું ધ્યાન પણ જાતે મામલતદાર આરતીબેન ગોસ્વામી રાખી રહ્યા છે.
વિપદની આ ઘડીમાં મહિલા મામલતદારે માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે. એવી લાગણી આ નાનકડી દીકરીની માતાએ પણ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *