વડાપ્રધાને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો,આ પરિણામોએ 2024ની ચૂંટણીની જીત નક્કી કરી

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં મહદઅંશે મતગણતરી પૂરી થઈ ચૂકી છે. પંજાબને બાદ કરતાં ભાજપે અન્ય તમામ રાજ્યોમાં બહુમતી સાથે સરકાર બનાવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ ઐતિહાસિક જીત સાથે યોગી આદિત્યનાથ પુન: સત્તાના સિંહાસન પર બેસવા જઈ રહ્યાં છે. જો કે 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની સીટો વધી જરૂરી છે, પરંતુ સરકાર બનાવવાના અખિલેશ યાદવના સપના પર પાણી ફરી વળ્યું છે.
ચૂંટણીમાં ભાજપના શાનદાર પરિણામ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ઉત્સવનો દિવસ છે. આ વખતે હોળી 10 માર્ચથી જ શરૂ થઈ ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ જનતાનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી.
વધુમાં તેમણે જણાવ્યું કે, 2019ની ચૂંટણીના પરિણામો બાદ કેટલાક પોલિટિકલ પંડિતોએ કહ્યું હતું કે, 2017ના પરિણામોએ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો નક્કી કરી દીધા હતા. હું માનું છું કે, આ વખતે પણ તેઓ કહેશે જ કે, 2022ના પરિણામોથી 2024ના પરિણામો નક્કી થઈ ગયા.
PM મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશે દેશને અનેક વડાપ્રધાન આપ્યા, પરંતુ કોઈ મુખ્યમંત્રી પુન: ચૂંટાઈ આવવો ઉત્તર પ્રદેશના 37 વર્ષ બાદ ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ મને વાયદો કર્યો હતો કે, આ વખતે હોળી 10 માર્ચથી શરૂ થઈ જશે. આપણા કર્મઠ કાર્યકર્તાઓએ પોતાના વાયદા પૂરા કરીને બતાવ્યા છે. આપણા કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં આકરી મહેનત કરી છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં પંજાબનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, અમે ભવિષ્યમાં પંજાબને અલગાવવાદી તાકાતોથી બચાવવા માટે કટીબદ્ધ છીએ. ભાજપના દરેક કાર્યકર્તાઓ આગામી 5 વર્ષો સુધી તેના પર જરૂર કામ કરશે અને જરૂર પડશે, તો પોતાના પ્રાણની આહૂતિ આપવામાં જરાય પીછેહટ નહીં કરે.
કેટલાક લોકો રાજકારણનું સ્તર એટલું નીચે લઈ ગયા હોવાનું જણાવી PM મોદીએ કહ્યું કે, યુક્રેનમાં ભારતના વિદ્યાર્થીઓ ફસાયા, ત્યારે પણ મનોબળ તોડવાના પ્રયાસ કરવામાં આવ્યા. ઑપરેશન ગંગા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. સરકારના દરેક કાર્ય અને યોજનાને રાજકારણનો રંગ આપવામાં આવ્યો. ભારતની કોવિડ વૅક્સિન પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *