
BJP ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત:10 ઉપપ્રમુખોની વરણી, મહામંત્રી તરીકે અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ
BJP ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠનમાં વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી સંગઠનાત્મક નિમણૂક મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરાઈ છે.
BJP પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.
BJP ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે રાત્રે સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રી તરીકેવ કચ્છ જિલ્લાના અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લાના હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લાના ડો. પ્રશાંત કોરાટ અને ખેડા જિલ્લાના અજય ભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ડો. પરિન્દુ ભગતની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં ઉપપ્રમુખ તરીકે અમદાવાદના સિનિયર નેતા ભરત પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહની નિમણૂંક કરાઈ છે. મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલ જ્યારે મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. પ્રશાંત વાળાને મૂકવામાં આવ્યા છે.
BJP ભાજપ સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત કરવાની દિશામાં આ નિમણૂકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવી ટીમ સાથે ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.પાર્ટી દ્વારા તમામ નિમણૂક પામેલા પદાધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળવા સૂચના આપવામાં આવી છે.
BJP ગુજરાત ભાજપે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરીને જ્ઞાતિ સમીકરણને કેન્દ્રમાં રાખતી સ્પષ્ટ રણનીતિ અપનાવી છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકોને 2026ની ચૂંટણી પૂર્વે તમામ સમાજોને સાથે લઈને ચાલવાની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.
BJP પાર્ટીની નવી ટીમમાં ઉપપ્રમુખ પદે વિવિધ સામાજિક વર્ગોનું સંતુલિત પ્રતિનિધિત્વ જોવા મળે છે, જેમાં પરંપરાગત વોટબેંક ધરાવતા પટેલ સમાજથી લઈને ઓબીસી, એસસી-એસટી વર્ગ સુધીના નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. સાથે જ ઠાકોર સમાજને પણ સ્થાન આપીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોના સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
BJP મહામંત્રી પદે બ્રાહ્મણ, ક્ષત્રિય અને બ્રહ્મભટ્ટ સમાજના નેતાઓની પસંદગી કરવામાં આવી છે. સંગઠનના જાણકારો મુજબ મહામંત્રી પદે અનુભવ અને સંકલન ક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી સંગઠન અને સરકાર વચ્ચે વધુ મજબૂત સંવાદ સ્થાપી શકાય.
BJP રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની આ સંગઠન રચના માત્ર આંતરિક ગોઠવણી નહીં પરંતુ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી છે. જ્ઞાતિ, પ્રદેશ અને અનુભવના સંતુલન સાથે રચાયેલી નવી ટીમ દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં કોઈપણ સમાજ અવગણાયો નથી અને સૌને સાથે લઈને આગળ વધવાની તૈયારી છે.
BJP ગુજરાત ભાજપ સંગઠનમાં મહિલાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં 10 ઉપપ્રમુખમાં 2 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે સુરત શહેરના ઝંખનાબેન પટેલ અને છોટાઉદેપુર ના ગીતાબેન રાઠવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે 10 મંત્રીઓમાંથી 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અંજુબેન વેકરીયાને મૂકવામાં આવ્યા છે. ઓબીસી પ્રમુખ તરીકે ગીર સોમનાથ જિલ્લાના માનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે.

