મુંદ્રા પ્રાગપર ચોકડી ખાતે આવેલા એન્કરવાલા અહિસાધામમાં શુક્રવારે માંડવી વિધાનસભાનું ભાજપ પ્રેરિત રાજપૂત ક્ષત્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં મુંદરા અને માંડવી તાલુકા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા ક્ષત્રિય આગેવાનો, વિવિધ ગામના સરપંચો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંમેલનને ભારે સફળતા અપાવી હતી. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં `રાષ્ટ્ર પ્રથમ’ના વિચાર સાથે આવનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા કચ્છના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરાયું હતું. ધારાસભ્ય શ્રી દવે સાથે જિ.પં. પ્રમુખ શ્રી જાડેજા, મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણી મઉંના બટુકસિંહ જાડેજા વિગેરેએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. મુંદરાના ક્ષત્રિય આગેવાન મહેન્દ્રસિંહ જાડેજા `જામ’એ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, તેમના પિતા જન સંઘ સાથે સ્થાપનાથી જોડાયેલા હતા અને મારો સમગ્ર પરિવાર ભાજપ સાથે જોડાયેલો જ છે. ધારાસભ્ય શ્રી દવેએ મોટી સંખ્યામાં મતદાન કરી કેસરિયો લહેરાવવાનો કોલ આપ્યો હતો.
Bhuj / કચ્છ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચારાર્થે અમરાવતી (મહારાષ્ટ્ર)ના વર્તમાન સાંસદ અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર નવનીત રવિ રાણા ભુજમાં તા. 4/5ના શનિવારે રોડ-શો કરશે. શનિવરે સાંજે 4.30 વાગ્યે રોડ-શોનો પ્રારંભ હોટેલ વિરામથી શરૂ થઇ જ્યુબિલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, લાલટેકરી, અનમ રિંગરોડ, મહેરઅલી ચોક, વાણિયાવાડ, છઠ્ઠીબારી રિંગરોડ, જિલ્લા પંચાયત થઇ રોડ-શો ગાંધીજીની પ્રતિમા-હમીરસર તળાવ પાસે પૂરો થશે. નવનીત રાણા રાજકારણની સાથે ભૂતપૂર્વ અભિનેત્રી છે. તેમણે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં અભિનયના ઓજસ પાથર્યા હતા.
BJP/ કચ્છના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરાયું