Biporjoy Cyclone : વાવાઝોડા બિપોરજોયના નવા રૂટથી ગુજરાત પર જોખમ વધ્યું છે. સ્કાયમેટે કહ્યું કે, હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. નલિયા અને માંડવીની આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.
Biporjoy Cyclone : દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાતવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
Biporjoy Cyclone : આ ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં આ વાવાઝોડું ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ તરફ જાય છે. હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.
Biporjoy Cyclone : સ્કાયમેટે જણાવ્યું કે, વાવાઝોડું નલિયા તરફ ટર્ન કરી રહ્યું છે. વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધ્યો છે. દરિયા કિનારે વાવાઝોડું પહોચશે ત્યારે પવન 120થી 140 કિમી ઝડપે ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદ આવશે.
Biporjoy Cyclone : હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.
Biporjoy Cyclone : ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટમાં જાહેર કર્યો છે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યા છે. તેમજ 15 જૂને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અહીં પવનની ગતિ 125થી 135 કિમી રહેશે જ્યારે રાજકોટ, પોરબંદરમાં સુરેન્દ્રનગર, બોટાદ અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.
માંડવી બંદર ખાતે 4 નબરનું સિગ્નલ લગાવાયું, તંત્ર ને એલર્ટ કરાયો
સંભવીત વાવાઝોડાને લઈન કચ્છ પ્રશાસન સજ્જ થયું છે. જખૌ બંદર પર માછીમારોની તમામ બોટો પરત બોલાવી લેવાઈ છે. માછીમારોએ પોતાની બોટ કિનારે લાંગરી દીધી છે.
તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં જરૂર સૂચનો આપવામાં આવી છે. તેમજ માંડવી મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી દ્વારા વાવાઝોડા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.
‘બિપરજોય’ વાવાઝોડાંની માંડવી દરિયા કિનારે અસર વર્તાશે તેવી આગાહી વચ્ચે માંડવી પ્રાંત અધિકારી ચેતનભાઇ મિસળ દ્વારા સંભવિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સાવચેતીના પગલા સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું. માંડવી બંદર ખાતે પણ 4 નબરનું સિગ્નલ લગાવાયું છે.