ભરૂચ જિલ્લાના એક ગામમાં પિયુષ પટેલે પરિવારની જોડિયા પુત્રીઓના લગ્ન દક્ષાબેનની સિલિકોન પ્રતિમા સામે કરાવતા પત્નીનું સ્વપ્ન પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ હૃદય સ્પર્શી દ્રશ્યો જોઈ સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. પિતાના આ ખાસ સરપ્રાઈઝથી દુલ્હન બનેલી બે દિકરીઓની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. ભરૂચમાં તેમની જોડિયા દીકરીઓના લગ્નમાં માતાની ઉણપને પૂરી કરવા પિતાએ સિલિકોનથી બનેલી પ્રતિમા બનાવી હતી. લગ્નની વિધિ મૂર્તિની સામે કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાંથી હૃદય સ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપરા ગામના રિયલ એસ્ટેટ ડેવલપર પિયુષ પટેલે તેમની સ્વર્ગસ્થ પત્નીની પ્રતિમા કોઈને જાણ કર્યા વિના બનાવીને રાણીપરા ગામમાં તેમની પુત્રીના લગ્નના સ્ટેજ પર મૂકી દીધી હતી. મહેમાનો આવ્યા પછી પિતા તેમની દીકરીઓના હાથ પકડીને સ્ટેજ પર ગયા અને શણગારેલી અને હસતી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ જોતા બન્ને દિકરીઓની આંખોમાં આંસુ આવી ગયા. બાદમાં, જ્યારે લગ્નની વિધિઓ થઈ, ત્યારે મૂર્તિને ખુરશી પર મૂકવામાં આવી હતી આ જોઈ તેમની દિકરીઓનું મન ભરી આવ્યું હતું.
દક્ષાબેન જીવિત હતા ત્યારે તેમની દીકરીઓના લગ્ન નક્કી થઈ ગયા હતા. લગ્નમાં તેમનું સ્વપ્ન હતું… તેથી જ્યારે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે દિવંગત પત્નીની આ આશા પુરી કરવા માટે કંઈક કરવાનું વિચાર્યું હતું. જેથી પિયુષ પટેલે તેમના મિત્ર સંજય ભટ્ટ દ્વારા દક્ષાબેનની મૂર્તિ બનાવવા માટે વડોદરામાં કલાકારનો સંપર્ક કર્યો હતો. પત્નીનીતસવીરો આપી અને બે મહિનાના સમયમાં આ પ્રતિમા બનાવી દીધી હતી. મૂર્તિ સિલિકોન અને ફાઇબરની બનેલી છે. ફ્રેમને પહેલા સ્થાયી સ્થિતિમાં બનાવી અને પછી તેને બેઠેલી સ્થિતિમાં મોલ્ડ કરી આ પ્રતિમાં બનાવી હતી. આ હસતી પ્રતિમાને જોઈ બન્ને દિકરીઓને જાણે પોતાની માતા સામે બેઠી હોય તેમ અહેસાસ થયો હતો.