છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી નાગરિકોને પોતાના ઘરઆંગણે જ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભ મળી રહ્યાં છે. ત્યારે આપણા જીલ્લામાં આજરોજ મધ્યપ્રદેશના કઠીવાડાથી માત્ર ૭કી.મી ગુજરાતની સરહદમાં આવેલા ગુણાટાની સરકારી માધ્યમિક શાળાના પ્રાંગણમાં વિકસિત ભારત યાત્રા પહોંચતા ગ્રામજનોએ યાત્રાને હર્ષભેર આવકારી લીધી હતી.
આ પ્રસંગે વિસ્તરણ અધિકારી, મામલતદાર, અને તાલુકા વિકાસ અધિકારીએ વિશેષ ઉપસ્થિતી નોધાવી હતી. આ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ યાત્રાના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આ સાથે મેડિકલ કેમ્પ તથા યોજનાકિય સ્ટોલ પ્રદર્શનનો લાભ સ્થાનિકોએ લઇ વિવિધ યોજનાના ફોર્મ ભર્યા હતા. મોટા ભાગના યુવાનો અને વિદ્યાર્થીઓ યાત્રા સ્વાગત કાર્યક્રમમાં જોડાયેલા હોવાથી દીપક ચૌધરીએ જણાવ્યું હતું કે યુવાનો એ ગામની સીમમાં ઓટલા પર બેસવાનું નથી, પરંતુ તમે સ્માર્ટ જનરેશન છો, તમારે તમારા ગામમાં જે લોકો વિકાસથી વંચિત છે જેમને લાભ મળવા પાત્ર છે અને હજુ સુધી નથી મળ્યો તેમની યાદી બનાવી અને ગ્રામ સેવક ને આપવી જોઈએ. દર ગુરુવારે ગ્રામ સભા યોજાય તેમાં સક્રિય રસ લો, ઓનલાઈન ફોર્મ ભરવાના હોય તેમાં તમે વડીલો, નિરાધાર લોકો જરૂરિયાત મંદ લોકોને ફોર્મ ભરી આપો. આપણો દેશ તો જ વિકસિત થશે, અમે જે ખુરશી પર બેઠા છીએ તે ખુરશી ભવિષ્ય માં તમારી હશે તે રીતે મહેનત કરો.
આ પ્રસંગે વિવિધ પદાધિકારી, અધિકારીઓ, કર્મચારીઓ, ગામના સરપંચ, તલાટી ક્રમ મંત્રી, તાલુકા પંચાયત તમામ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.