બારડોલી: બારડોલીના તેન રોડ પર આવેલ એક ફર્નિચરની દુકાનમાં માંડવી વનવિભાગની ટીમ દ્વારા 69 હજારથી વધુના સાગી લાકડાનો જથ્થો પાડવામાં આવ્યો હતો. વનવિભાગે દુકાનમાંથી સાડા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગત મે મહિનામાં વિસ્તારમાંથી આશરે રૂ. નવ લાખથી વધુનો ગેરકાયદેસર લાકડાનો જથ્થો માંડવી વનવિભાગે પકડી પાડ્યો હતો.
આ ગુનામાં વન વિભાગની ટીમે કાળુ ગુનારામ સુથાર અને પ્રેમરાજ ડુંગરચંદ સાલવીની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા કૈલાશ ચુનીલાલ સુથારનું નામ ખૂલ્યું હતું. વનવિભાગે કૈલાશ ની ધરપકડ કરી પૂછપરછ કરતા કેટલોક જથ્થો બારડોલી ખાતે તેન રોડ પર આવેલ રવિ સી.એન.સી. એન્ડ મોલ્ડિંગ ફર્નિચર નામના વર્કશોપમાં આપ્યો હોવાની કબૂલાત કરી હતી. માંડવી વનવિભાગના અધિકારીઓએ બારડોલીની આ ફર્નિચરની દુકાનમાં તપાસ કરતા 69200 રૂપિયાનો ગેરકાયદે સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
વનવિભાગની ટીમ ને જોતા વર્કશોપનો માલિક દિલખુશ સોહનલાલ સુથાર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. માંડવી વનવિભાગના આર.એફ.ઓ વંદાએ જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછમાં ફર્નિચરના વર્કશોપનું નામ ખુલતા તપાસ હાથ ધરાઇ હતી. વર્કશોપમાં ચોરીનો જેટલો જથ્થો આપવામાં આવ્યો હતો તેમાંથી મોટાભાગનો જથ્થો વેચી દેવાયો હતો. હાલ અમે લાકડાનો બચેલો જથ્થો અને મશીનરી સહિત કુલ સાડા સાત લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.