BANASKANTHA MURDER CASE : પોલીસે ભરત ચૌધરી મર્ડર કેસમાં 6 આરોપીની ધરપકડ બાદ જાહેરમાં દંડાથી માર મારતા વિવાદ

BANASKANTHA MURDER CASE : તાજેતરના ચકચારી ભરત ચૌધરી મર્ડર કેસમાં હાલ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે પોલીસે 6 જેટલા આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે આ તમામ આરોપીઓને મર્ડર વાળા ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિ-કન્ટ્રક્શન કરાવ્યું હતું. આ સમયે આરોપીઓને જોતા જ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે પોલીસે પણ આરોપીઓને જાહેરમાં દંડા વડે માર માર્યો હોવાની ઘટના પણ સામે આવી હતી, જેથી હાલ આ સમગ્ર ઘટના મામલે માળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ ગઈકાલે આ બાબતે SP કચેરી ખાતે રજૂઆત કરી છે.
BANASKANTHA MURDER CASE : સમગ્ર ઘટનાના વિગતવાર વાત કરીએ તો, ગત 20 ડિસેમ્બરની રાત્રે ભરત ચૌધરી અને તેનો મિત્ર નીતિન ચૌધરી પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ પર ઊભા હતા. તે સમયે ત્યાં 20થી 25 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને અચાનક જ આ ટોળાએ બે મિત્રો પર ધોકા અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે, ભરત ચૌધરી અને નીતિન ચૌધરી બંને યુવકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા, જેથી આ બંને યુવકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલના સારવાર દરમિયાન બે પૈકી એક મિત્ર ભરત ચૌધરીનું મોત નીપજ્યું હતું.
BANASKANTHA MURDER CASE : આમ ભરત ચૌધરીના નામના યુવકને લઈ સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને પરિવારે ભરત ચૌધરીની લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તો આ તરફ પોલીસ પણ સમગ્ર ઘટનાને લઈ એક્શનમાં આવી હતી અને પોલીસે હુમલાના મુખ્ય આરોપી ભાર્ગવ માળી સહિત 24 લોકો સામે ફરિયાદ નોંધી હતી. બાદમાં આ જીવલેણ હુમલો શા માટે કરાયો તેની તપાસમાં પોલીસ લાગી ત્યારે સામે આવ્યું કે, હુમલા પાછળ પૈસાની લેતીદેતીનું કારણ જવાબદાર છે.
BANASKANTHA MURDER CASE : પોલીસે આપેલી માહિતી અનુસાર, આ ઘટનામાં ઈજાગ્રસ્ત નીતિન ચૌધરી સાથે આરોપી ભાર્ગવ માળીને પૈસાની લેતીદેતી હતી અને આ પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે બબાલ ચાલી રહી હતી. જેની અદાવત રાખી જ્યારે નીતિન ચૌધરી, તેના મિત્ર ભરત ચૌધરી સાથે હોટલ પર ઊભો હતો તે સમયે 20થી 25 લોકો સાથે ભાર્ગવ માળી ત્યાં પહોંચ્યો હતો અને હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓ ભરત ચૌધરીની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
BANASKANTHA MURDER CASE : પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, હુમલાનો ઈરાદો ભરત ચૌધરી અને નીતિન ચૌધરીની હત્યાનો જ હતો. જેથી આ ઘટનાની ગંભીરતાને જોતા જ LCB, SOGની ટીમ એક્શનમાં આવી હતી અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે આઠ ટીમ બનાવી ધમધમાટ શરૂ કર્યો હતો. આ માટે પોલીસે ઘટના સ્થળ આસપાસના 2 હજાર CCTV ફૂટેજની તપાસ કરી 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા હતા, સાથે જ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ આ કેસની તપાસમાં જોડાઈ હતી.
જેથી પોલીસે મહામહેનતે આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી ભાર્ગવ માળી ઉર્ફે લાલો નિમેષ માળીને તપાસ દરમિયાન રાજસ્થાનથી દબોચી લીધો હતો. સાથે જ અન્ય આરોપી રિક્કી લોયલ, ભરતજી રાજપૂત, ભૌતિક પરમાર, ગણપત ચૌહાણ અને અનિલ બાવરીની પણ અટકાયત કરી હતી. આમ આ સમગ્ર કેસમાં પોલીસે હાલ સુધી છ આરોપીઓની ધરપકડ કરી હતી અને બાદમાં પાલનપુર પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
BANASKANTHA MURDER CASE : બાદમાં ગતરોજ 27 ડિસેમ્બરે પાલનપુર પોલીસે બે DySP, PI, PSI સહિતના પોલીસ કાફલા સાથે આ છ આરોપીઓને સ્થળ હાઈવે પર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના સ્થળે લાવીને પંચોની હાજરીમાં ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. સાથે જ આ સમયે આરોપીઓને જોઈને લોકોનો રોષ પણ જોવા મળતો હતો, ત્યારે પોલીસે તમામ આરોપીની જાહેરમાં દંડાથી માર માર્યો હતો, જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

BANASKANTHA MURDER CASE : જોકે આ તરફ આ પાલનપુર મર્ડર કેસમાં આરોપીઓને સરાજાહેર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાથી પોલીસની કાર્યવાહી સામે માળી સમાજ લાલઘુમ જોવા મળી રહ્યો છે. આ મામલે આરોપી આરોપી ભાર્ગવ માળીના પત્ની કોમલ માળી સહિત સમગ્ર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આજે SP કચેરીએ પહોંચ્યા છે. માળી સમાજ જિંદાબાદના નારા સાથે સમાજના લોકો એસપી કચેરી પહોંચ્યા એસપીને રજૂઆત કરી હતી કે, પોલીસની કાયદેસર કાર્યવાહીથી કોઈ સવાલ નથી પરંતુ જાહેરમાં માર મારી પલીસે કાયદાનું કર્યું ઉલ્લંઘન છે.
BANASKANTHA MURDER CASE : આ મામલે ભાર્ગવ માળીના પત્ની કોમલ માળીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, આરોપીએ પોતાનો ગુનો કબૂલી દીધા બાદ તેને જાહેરમાં મારવાની સત્તા કોઈ પણ પાસે નથી, ખાસ આ કેસમાં મારા પતિને અયોગ્ય રીતે મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. મેં લવ મેરેજ કરેલા હોવાથી મીડિયામાં આ અંગેની ચર્ચાઓ વધુ ચગી રહી છે, હાલ એ પણ નથી સાબિત થયું કે તે આ મર્ડર કેસમાં તે મુખ્ય આરોપી છે, છતાં પણ તેને જાહેરમાં માર મારવામાં આવ્યો તે અયોગ્ય છે.

BANASKANTHA MURDER CASE : કોમલ માળીએ વધુમાં કહ્યું કે, આ મામલે યોગ્ય તપાસ થાય અને આગામી સમયમાં કાયદાકિય રીતથી કાર્યવાહી થાય તે અંગેની રજૂઆત અમે SPને કરી છે, ત્યારે અમારી રજૂઆત બાદ SPએ અમને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આમ નોંધનીય છે કે, હાલ આ સમગ્ર કેસમાં કેટલાક આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે આ મામલે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ત્યારે આ મુદ્દે હાલ પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાહો ઉભા થઈ રહ્યા છે.