દેશની સૌથી મોટી કાર વેચનારી કંપની મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં નવી Alto K10 લોન્ચ કરી છે. અલ્ટો ભારતમાં સૌથી વધુ વેચાતી કાર છે. કંપનીએ 2020માં Alto K10નું પ્રોડક્શન બંધ કરી દીધું હતું અને હવે તેને અપડેટેડ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. હકીકતમાં મારુતિ સુઝુકીએ 18 ઓગસ્ટના રોજ નવી અલ્ટો લોન્ચ કરી હતી. આ પ્રસંગે કંપનીના સેલ્સ અને માર્કેટિંગ હેડ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કસ્ટમરને નવી અલ્ટો ખૂબ જ પસંદ આવશે. તેમણે કહ્યું કે ભલે લોકો હવે SUV તરફ વળ્યા છે. પરંતુ અલ્ટો એન્ટ્રી લેવલ પર વર્ચસ્વ જાળવી રાખે છે. તેમણે કહ્યું કે હવે 43 લાખથી વધુ કસ્ટમરએ અલ્ટો ખરીદી છે, જે તેની સફળતા જણાવવા માટે પૂરતી છે. લોન્ચ સમયે અમે શશાંક શ્રીવાસ્તવને પૂછ્યું કે આજે એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં ઘણા વ્હીકલ મળી રહ્યાં છે તો પછી લોકોએ નવી અલ્ટો K10 શા માટે ખરીદવી જોઈએ? તેણે તેની 5 વિશેષતાઓ જણાવી.
- સ્પેસ
મારુતિ સુઝુકી ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પ્રથમ વિશેષતા એ છે કે તેમાં જૂની K10 કરતાં વધુ સ્પેસ છે. બૂટ સ્પેસની વાત કરીએ તો, નવી અલ્ટોમાં 214 લિટર છે, જ્યારે જૂની અલ્ટોમાં 177 લિટર છે. જોકે નવી અલ્ટોની લંબાઈ જૂની અલ્ટો કરતા ઓછી છે. નવી અલ્ટોની લંબાઈ-3530 mm છે. જ્યારે જૂની અલ્ટો 3545 એમએમની છે. બંનેની પહોળાઈ સમાન છે એટલે કે 1490 mm, ઊંચાઈમાં, વ્હીલબેઝમાં પણ નવી અલ્ટો આગળ છે.
- અવરેજમાં દમદાર
મારુતિ સુઝુકી અનુસાર નવી અલ્ટો વધુ માઈલેજ આપશે. જૂની અલ્ટો(પેટ્રોલ) 22.05km/l ની માઈલેજ આપે છે. જ્યારે કંપની નવી અલ્ટોને લઈને 24.90km/l માઈલેજનો દાવો કરી રહી છે.
- ડિઝાઇન
કંપનીનું કહેવું છે કે નવી અલ્ટો ખૂબ જ આકર્ષક છે અને દરેક ઉંમરના લોકો આ કારને પસંદ કરશે. કારની ઊંચાઈ થોડી વધારે છે, જેના કારણે કારનો દેખાવ સુંદર લાગે છે. તેમજ ફ્રન્ટ ગ્રિલ અને ફ્રન્ટ લાઇટ નવી આપવામાં આવી છે. આ સિવાય બેક સાઇડમાં લુકને થોડો સ્પોર્ટી રાખવામાં આવ્યો છે, બેક લાઇટને પણ અપડેટ કરવામાં આવી છે.
- એન્જિન
નવી 2022 અલ્ટો K10 એ 1.0L K10C એન્જિન દ્વારા ઓપરેટેડ છે જે Celerio અને S-Presso જેવી કારમાં જોવા મળે છે. જૂની અલ્ટો 1.0L K10B પેટ્રોલ એન્જિન દ્વારા ઓપરેટેડ છે. નવી અલ્ટો 65.7 એચપીનો પાવર જનરેટ કરે છે, જ્યારે જૂની અલ્ટો 67 એચપીનો પાવર જનરેટ કરે છે. મારુતિ સુઝુકીની અલ્ટો કારનું આ નવું વર્ઝન કંપનીના અપડેટેડ પ્લેટફોર્મ Heartect પર આધારિત છે.
- હાઇટેક ફિચર્સ
કંપનીએ ઓછી કિંમતે નવી અલ્ટોમાં ઘણા હાઇટેક ફીચર્સ ઉમેર્યા છે. ડ્રાઇવિંગને આસાન બનાવવા મારુતિ સુઝુકીએ આ કારમાં ઓટો શિફ્ટ ગિયર આપ્યું છે. આ સિવાય આ નવી કારમાં એન્ટી બ્રેકિંગ સિસ્ટમ સહિત 15થી વધુ સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમના માઉન્ટેડ કંટ્રોલ સ્ટીયરિંગ પર જ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકીએ નવી Alto K10ને રૂ. 3.99 લાખની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત રૂપિયા 5.83 લાખ છે. તે જ સમયે, જૂની Alto K10ની શરૂઆતની કિંમત 3.39 લાખ રૂપિયા છે.