
Mandvi : ગૌણ વિધાન સમિતિનાં પ્રમુખ તરીકે માંડવીના ધારાસભ્યની નિમણૂક
રાજ્ય સરકારે વિવિધ કમિટીઓમાં પ્રમુખ સહિતના સભ્યોના નામની જાહેરાત કરી છે, જેમાં ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની નિમણૂક કરવામાં આવી છે.
ગૌણ વિધાન સમતિના કાર્યોમાં વિધાનસભાને લગતા જરૂરી વિધેયકોમાં હુકમો કરવાની સત્તા આપવામાં આવી હોય અથવા જે વિધેયકો અગાઉના અધિનિયમોમાં સુધારો કરીને હુકમો કરવાની સત્તા આપતા હોય તે વિધેયકોમાં હુકમો ટેબલ ઉપર મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે કે કેમ અને તે જે સત્રમાં ટેબલ ઉપર મૂકવામાં આવે તે સત્રમાં અથવા તેના પછી તરત આવતા સત્રમાં સંસદ દ્વારા ફેરફારને પાત્ર છે કે કેમ? તે ગૌણ વિધાન સમિતિ તપાસે છે. ગઈકાલ બુધવારના જાહેર કરવામાં આવેલી વિવિધ સમિતિઓ પૈકી ગૌણ વિધાન સમિતિમાં કુલ ૧૦ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જે સમિતિના પ્રમુખ તરીકે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે રહેશે, જ્યારે સભ્યોમાં હોદ્દાની રૂએ કાયદામંત્રી ઋષિકેશ પટેલ, કિરીટકુમાર કેશવલાલ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, પી.સી.બરંડા, બલરાજસિંહ ચૌહાણ, અમિત શાહ, ઈમરાન ખેડાવાલા, ડૉ.મહેન્દ્ર પાડલિયા તથા ચૈતન્યસિંહ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.