
કેવડિયા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં વધારો થયો છે. અલ્પાકા, બ્લેક સ્વાન, કોટન ટોપ ટેમરિન અને સ્પિરલ મન્કીના પરિવારમાં બચ્ચાઓનો જન્મ થયો છે. કેવડિયાના જંગલ સફારી પાર્કમં વસતા દક્ષિણ અમેરિકાના મૂળ વતની અલ્પાકાને ત્યાં એક બચ્ચાંનો જન્મ થયો છે. ઊંટના કુળના આ અલ્પાકા પ્રજાતિમાં એક બચ્ચાંનો જન્મ થતાં પ્રાણી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે. કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન, ગર્ભાધાન અને બાળ જન્મ આ બધું શક્ય બન્યું છે. આ બચ્ચાંના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે. અલ્પાકાની સાથે સાથે બ્લેક સ્વાન કે જે ખુબ રેર કેસમાં ઈંડા મુકતા હોય છે તેણે પણ બચ્ચાંને જન્મ આપ્યો છે, જયારે સ્પિરલ મન્કી અને કોટન ટોપ ટેમરિન જેને પોકેટ મન્કી પણ કહેવામાં આવે છે, તેણે પણ બચ્ચાંઓને જન્મ આપ્યો છે.
