Ambaji : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો

Ambaji : ભાદરવી પૂનમ મહામેળા 2025નો રંગેચંગે પ્રારંભ.

Ambaji : ‘આસ્થા તમારી, વ્યવસ્થા અમારી’ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ; માઁ અંબાના રથનું પૂજન-અર્ચન કરી, રથ ખેંચીને મેળાની શરૂઆત કરાઈ

Ambaji : શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી તા. 7 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે; દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન

Ambaji : અરવલ્લીની ગિરિમાળાઓ ‘જય અંબે’ના નાદથી ગુંજી, કાર પાર્કિંગથી મંદિર જવા ફ્રી બસ સુવિધા

Ambaji : આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. ‘જય અંબે’ના જયઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઊઠી છે. આજથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો આગામી 7 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શને ઊમટી પડશે. અંબાજી જતા ભક્તો માટે પાર્કિંગ, મંદિરનાં દર્શન, આરતી, પ્રસાદ અને બસની સુવિધા સહિતની માહિતી આપને જણાવી દઇએ.

Ambaji : વિધિવત્ પૂજા-અર્ચના અને રથયાત્રા સાથે મેળાની શરૂઆત

દાંતા માર્ગ પર વિધિવત્ પૂજા-અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત થઈ. માતાજીની આરતી બાદ ભોજનાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ કલેક્ટર, એસપી અને વહીવટદારે ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું હતું. ભક્તોની સુરક્ષા માટે 5 હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

500 CCTV કેમેરાથી સર્વેલન્સ રહેશે

Ambaji : અંબાજીના ભાદરવી મહાકુંભને સુરક્ષિત બનાવવા માટે સમગ્ર મેળા વિસ્તારમાં 500 CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બેએ CCTV કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. આ કેમેરા દ્વારા શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

Ambaji : 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બપોરે 12:30થી બંધ રહેશે શક્તિપીઠ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ થઇ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઇ જશે. 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 પછી ધજા નહીં ચડે. આ સિવાય 1 થી 6 સપ્ટેમ્બર મંદિર સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.

Ambaji : અંબાજીના મહામેળામાં માઈભક્તો માટે જર્મન ટેક્નોલોજીના વિસામા

દૂર દૂરથી પગપાળા ચાલીને અંબાજીના મહામેળામાં આવતા માઈભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના આરામ માટે અલગ અલગ જગ્યાએ જર્મન ટેક્નોલોજી થી બનેલા મોટા વિસામા (ડોમ) ઊભા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ વિસામામાં ભક્તો માટે પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અમુક મોટા ડોમમાં મોબાઇલ ચાર્જિંગ ની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ કોઈપણ અગવડતા વિના યાત્રાનો આનંદ માણી શકે.

Ambaji : મહામેળા દરમિયાન ભક્તોને ક્યાંથી મળશે પ્રસાદ?

ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં ભક્તોને પ્રસાદ સરળતાથી મળી રહે એ હેતુથી અંબાજી મંદિર પરિસરમાં દર વર્ષે વ્યવસ્થાઓ વધારાની કરવામાં આવતી હોય છે, પણ આ વખતે પ્રસાદ વિતરણની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર પરિસરની બહારના ભાગે યાત્રિક પ્લાઝા, સાત નંબર ગેટ બાહર, બસ સ્ટેન્ડ ડોમ, 90 નંબર પાર્કિંગમાં એમ પાંચ જગ્યાએ વધારાના પ્રસાદ વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે.

Ambaji : ઇતિહાસમાં પહેલીવાર મા અંબાના તમામ પદયાત્રીઓનો વીમો લેવાયો

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર તમામ પદયાત્રીઓનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના કોઇપણ ખૂણેથી આવતા પદયાત્રીને ક્યાંય પણ અકસ્માત થશે તો તેમને વળતર આપવામાં આવશે. ગુજરાત સિવાય રાજસ્થાનથી પણ પદયાત્રીઓ આવતા હોય છે, તેથી અંબાજીથી રાજસ્થાનની 50 કિલોમીટરના અંદરના વિસ્તારને પણ આ વીમાકવચમાં આવરી લેવાયો છે.

Ambaji : ST વિભાગ 1100 એક્સ્ટ્રા બસ દોડાવશે 

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા.1/09/2025થી 7/09/2025 દરમિયાન યોજાવાનો છે. મુસાફરોની સુવિધા માટે મેળામાં એસ.ટી.ના 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે એને ધ્યાને રાખી અંબાજી ખાતે 10 હંગામી બૂથો ઊભાં કરી કુલ 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

Ambaji : આ વર્ષે નિ:શુલ્ક મિની બસનો વધારો

અંબાજીના બસ ડેપો મેનેજર કે. પી. ચૌહાણના જણાવ્યા મુજબ, ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો ભક્તોની સુવિધા માટે રાજ્ય સરકાર અને GSRTC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સરળતા માટે અંબાજીથી અલગ અલગ સ્થળોએ જવા માટે ગયા વર્ષ મુજબ હંગામી બસ સ્ટોપ ઊભા કરવામાં આવ્યા છે. વાહન પાર્કિંગ સ્થળેથી ખોડીવલ્લી સર્કલ સુધી આવવા-જવા માટે GSRTC દ્વારા નિ:શુલ્ક મિની બસોની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ વર્ષે કામાખ્યા મંદિર નજીક પાર્કિંગ સ્થળ અને પાછા પાર્કિંગ સ્થળના રૂટ પર નિ:શુલ્ક મિની બસોની સંખ્યામાં 5-5 બસનો વધારો કરવામાં આવ્યો છે.

Ambaji : યાત્રાળુઓ માટે 35 જેટલાં સ્માર્ટ પાર્કિંગ બુકિંગની વ્યવસ્થા

ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ પોતાની સાથે વાહનો લઈને આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા હાઈવે પર મંદિર પહેલાં જ 35 જેટલાં નવાં પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યાં છે.

Ambaji : પાર્કિંગ સ્થળો: આ પાર્કિંગમાં ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલરનાં પાર્કિંગ કરી શકાશે, અને અહીં પોલીસકર્મચારીઓ પણ સહકાર આપશે. દાંતા રોડ પર 23 અને હડાદ રોડ પર 12 મળીને કુલ 35 નાનાં-મોટાં પાર્કિંગ સ્થળ તૈયાર કરવામાં આવ્યાં છે.

Ambaji : સ્માર્ટ પાર્કિંગ: આ વર્ષે એક નવી વ્યવસ્થા તરીકે સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે માઈભક્તો પોતાના વાહન માટે પાર્કિંગ સ્થળ એડવાન્સમાં બુક કરાવવા માગતા હોય, તેઓ QR કોડ સ્કેન કરીને સરળતાથી બુકિંગ કરાવી શકશે. આ સુવિધાથી પાર્કિંગની શોધમાં થતો સમય અને મુશ્કેલી ઓછી થશે.

Ambaji : ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનારા વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘેરબેઠાં માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *