Ahmedabad : દેરાણી-જેઠાણી હત્યાકાંડમાં પોલીસે 500 CCTV ફૂટેજ ચેક કર્યા

અમદાવાદ શહેરના છેવાડે આવેલા ભુવાલડી પાસેની સીમમાંથી થોડા દિવસ પહેલાં ગળું કાપેલી હાલતમાં દેરાણી -જેઠાણીની લાશ મળી આવી હતી. પોલીસ હત્યારા સુધી પહોંચવા માટે ટેકનોલોજી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રહી છે.

ભુવાલડીનાં દેરાણી-જેઠાણી હત્યાકાંડમાં હત્યારો એક જ શખ્સ હોવાનો પર્દાફાશ

અમદાવાદ શહેરના છેવાડે આવેલા ભુવાલડી પાસેની સીમમાંથી થોડા દિવસ પહેલાં ગળું કાપેલી હાલતમાં દેરાણી -જેઠાણીની લાશ મળી આવી હતી. જેમાં પોલીસ હત્યારા સુધી પહોંચવા માટે ટેકનોલોજી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રહી છે. દેરાણી-જેઠાણીની એક જ વ્યકિતએ હત્યા કરી હોવાનો હાલ ચોંકાવનારો પર્દાફાશ થયો છે. બંનેનાં શરીર પર એક જ પેટર્નથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પારિવારિક ઝઘડામાં બંનેની હત્યા થઇ હોવાની વાત પોલીસ નકારી રહી છે ત્યારે પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દેરાણી-જેઠાણી હત્યા કેસમાં પોલીસે ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે જ્યારે સંખ્યાબંધ નિવેદનો લીધાં છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

શહેરના છેવાડે આવેલા ભુવાલડી પાસેની સીમમાં ગળું કાપેલી હાલતમાં મળી આવેલી દેરાણી-જેઠાણીના લાશ મળી આવી હતી. જેમાં કણભા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ભુવાલડી ગામમાં ગીતાબહેન અને મંગીબહેન દેરાણી જેઠાણી થાય છે અને તેમની હત્યા અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી છે. બંને મહિલાની હત્યાને પગલે અમદાવાદ જિલ્લા પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસનું માનવું હતું કે બંને મહિલાની હત્યા અંગત કારણસર કરવામાં આવી છે પરંતુ ગામનાં સંખ્યાબંધ લોકોનાં નિવેદનો લીધાં બાદ હત્યા પાછળનું કારણ અંગત કે પારિવારિક નહીં, પરંતુ કાંઇક અલગ જ હોય તેવું પોલીસ માની રહી છે.

પોલીસે ડબલ મર્ડર કેસમાં એફએસએલની પણ મદદ લીધી

પોલીસ હત્યા કેસમાં એફએસએલની મદદ પણ લીધી છે. જેમાં સામે આવ્યું છે કે પહેલાં ગીતાબહેનની હત્યા કરવામાં આવી છે અને બાદમાં મંગીબહેનનું ઢીમ ઢાળી દેવાયું છે. બંને મહિલાઓની લાશ વચ્ચે ૫૦ ફૂટ કરતાં વધુનું અંતર હતું. બંને મહિલાઓની હત્યા એક જ શખ્સે કરી છે તેવું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગીતાબહેન અને મંગીબહેન પર જે રીતે ઇજાનાં નિશાન છે તે એક જેવાં છે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. પોલીસનું અનુમાન છે કે બંને મહિલાઓની હત્યા પાછળ કોઇ વિકૃત વ્યકિતનો હાથ હોઈ શકે કારણ કે બંને મહિલાઓ પાસે દાગીના પણ હતા નહીં અને લૂંટવા લાયક કોઇ ચીજવસ્તુ પણ હતી નહીં.

સીમમાં અવાવરું જગ્યામાંથી તેમની લાશ મળી આવી

ઉલ્લેખનીય છે કે ગીતાબહેન અને મંગીબહેન ઠાકોર નામનાં દેરાણી જેઠાણી નિત્યક્રમ મુજબ સીમમાં લાકડાં લેવાં ગયાં હતાં. જોકે સામાન્ય રીતે તેઓ બપોરના સમયે ઘરે પરત આવી જાય છે. પરંતુ તે દિવસે સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાનમાં ઝાણું ગામની સીમમાં અવાવરું જગ્યામાંથી તેમની લાશ મળી આવી હતી.

સીસીટીવી ફૂટેજમાં પણ શંકાસ્પદ વ્યકિત દેખાતી નથી

ચકચારી દેરાણી-જેઠાણી હત્યા કેસનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમે ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે પરંતુ કોઇ શંકાસ્પદ વ્યકિત હજુ સુધી સામે આવી નથી. આ સિવાય હ્યુમન સોર્સની પણ મદદ લેવાની શરૂ કરી દીધી છે. જે અંતગર્ત પોલીસ ભુવાલડી તેમજ ઝાણું ગામના રહીશોમાં પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *