અમદાવાદ વાસણા વિસ્તારમાં પાન પાર્લર સંચાલકની આત્મહત્યા

અમદાવાદ વાસણા વિસ્તારમાં પાન પાર્લર સંચાલકની આત્મહત્યા

વાસણા વિસ્તારમાં પાન પાર્લર સંચાલકની આત્મહત્યા : સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ, માનસિક ત્રાસ અને ડરાવવાનાં આક્ષેપ

અમદાવાદ : વાસણા વિસ્તારમાં રહેતા અને ‘ગુજ્જુભાઈ પાન પેલેસ’ ચલાવતાં અંકિત નામના યુવાને માનસિક ત્રાસ, ડરાવા-ધમકાવા અને બદનામીના ષડયંત્રથી કંટાઈ આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના મોટા ભાઈ કુણાલભાઈએ કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગંભીર આક્ષેપો સાથે વાસણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. અંકિત દ્વારા લખાયેલી સ્યૂસાઈડ નોટમાં તમામ આરોપીઓના નામ તથા તેમના વર્તન અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દારૂના બનાવ પછી વધ્યો ત્રાસ અને શરૂ થયો દબાણ

માહિતી મુજબ 25 ઓગષ્ટ 2025ના રોજ પાન પાર્લર નજીક દારૂ પીતાં કેટલાક શખ્સો અને દુકાનદારના સગા વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં 25 ઓક્ટોબર 2025ના રોજ દારૂ પીવા અંગેનો ગુનો નોંધાઈ ત્યારે ‘ગુજ્જુભાઈ પાન પેલેસ’નું નામ પણ ખોટી રીતે સંકળાયું હતું. ત્યારબાદ આરોપીઓ દુકાને આવીને અંકિત સાથે વારંવાર બોલાચાલી કરતા હતા.

અંકિતે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે દારૂના કેસમાંથી દુકાનનું નામ દૂર કરવાની વિનંતી કરવા છતાં આરોપીઓએ તેનું માનસિક શોષણ ચાલુ રાખ્યું હતું. તેમામાંથી નીલ ઠાકરે જૂના ઝઘડાનો વિડિયો બતાવી તેને ડરાવ્યો હતો. અંકિતના આરોપ મુજબ, આ શખ્સો દુકાન બંધ કરાવવો, પોલીસમાં ખોટી રીતે ફસાવવો અને તેના પિતાની બદનામી કરવાનું ષડયંત્ર કરી રહ્યા હતા.

ઊંડા માનસિક ત્રાસ બાદ ગળેફાંસો

આ સતત ચાલી રહેલા માનસિક દબાણથી અકળાઈ અંકિતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અંતિમ સંસ્કાર બાદ કુણાલભાઈએ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને સ્યૂસાઈડ મેસેજના સ્ક્રીનશૉટ્સ સહિતના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.

ઉચ્ચસ્તરીય તપાસની વિનંતી

અંકિતે પોતાની સ્યૂસાઈડ નોટમાં રાજ્ય સરકાર તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને કેસમાં નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની ભાવનાત્મક વિનંતી કરી છે. તેમજ કોઈ ધારાસભ્ય અથવા અન્ય વ્યક્તિના દબાણ હેઠળ કેસ દબાઈ ન જાય તે માટે આગ્રહ વ્યક્ત કર્યો છે.

હાલ પોલીસ સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ હાથ ધરી રહી છે અને આરોપીઓની ભૂમિકા અંગે સિસિટિવી, મેસેજેસ અને ડિજિટલ પુરાવા તપાસી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *