
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદ: દિવાળીના પર્વની શરૂઆત વચ્ચે જ કાંકરિયા વિસ્તારમાં આજે (શનિવારે) સાંજે એક ખાનગી કલબમાં યોજાનારા કાર્યક્રમને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સવારથી જ કાંકરિયા લેકફ્રન્ટની તમામ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખી છે.
ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી, બાલવાટીકા, નગીનાવાડી અને બટરફલાય પાર્ક જેવી લોકપ્રિય જગ્યાઓ આજે આખો દિવસ બંધ રહેશે. તહેવારી વેકેશનના પહેલા જ દિવસે આ નિર્ણયથી અનેક મુલાકાતીઓ નિરાશ થયા છે.
અમદાવાદ : ટ્રાફિક પ્રતિબંધો
કાંકરિયા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પ્રતિબંધો આજે બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 2:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. નીચેના માર્ગો પર વાહનોની અવરજવર સંપૂર્ણ રીતે બંધ રહેશે:
રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી અને કાંકરિયા ગેટ નં. 3 તરફનો માર્ગ
વાણીજ્ય ભવન ચાર રસ્તાથી પારસી અગિયારી ત્રણ રસ્તા તરફનો માર્ગ
પારસી અગિયારી ત્રણ રસ્તાથી વાણીજ્ય ભવન ચાર રસ્તા તરફનો માર્ગ
અણુવ્રત સર્કલથી કાંકરિયા ગેટ નં. 3 થી ફુટબોલ ગ્રાઉન્ડ તરફનો માર્ગ
ફુટબોલ ગ્રાઉન્ડથી કાંકરિયા ગેટ નં. 3-અણુવ્રત સર્કલ તરફનો માર્ગ
અમદાવાદ વૈકલ્પિક રૂટ
વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરા તરફનો રસ્તો ખુલ્લો રહેશે
વાણિજ્ય ભવનથી ન્યુ ક્લોથ થઈને રાયપુર જઈ શકાશે
પારસી અગિયારીથી ફુટબોલ ગ્રાઉન્ડનો માર્ગ ચાલુ રહેશે
અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ તરફ જઈ શકાશે
AMTS બસ રૂટમાં ફેરફાર
કાર્યક્રમને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા 28 રૂટની કુલ 183 બસોના માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાયપુર ચાર રસ્તા, પારસી અગિયારી, શાહઆલમ ટોલનાકા અને પુષ્પકુંજ વિસ્તારના કેટલાક રૂટ્સ પર બસ સેવા બંધ અથવા ડાયવર્ટ રહેશે.
સુરક્ષા અને વ્યવસ્થા
ફાયર વિભાગના ચાર ફાયર ફાઈટર અને પાંચ અધિકારીઓને બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સમારોહ સ્થળે સ્ટેન્ડ-ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ભાગોમાંથી 292 હોર્ડિંગ્સ, બેનર અને બોર્ડ દૂર કરવામાં આવ્યા છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, “મુખ્ય કાર્યક્રમ સાંજે શરૂ થતો હોવા છતાં આખો દિવસ વિસ્તાર બંધ રાખવો અનાવશ્યક હતો.”