અમદાવાદ: વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટ ઉપર મેટ્રો શરૂ થઇ
આજથી અમદાવાદ મેટ્રોના ઉત્તર દક્ષિણ કોરિડોરનું પરિસંચાલન શરૂ
ગુજરાત રાજ્ય મેટ્રો રેલવે કોર્પોરેશન દ્વારા આજથી અમદાવાદ મેટ્રોના ઉત્તર દક્ષિણ કોરિડોરનું પરિસંચાલન શરૂ થયું છે. વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટ ઉપર મેટ્રો શરૂ થઇ છે. આ કોરિડોર જાહેર જનતાને પરિવહનમાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. આ કોરિડોર મોટેરા સ્ટેડિયમને શહેરના સૌથી મોટા ખેતીવાડી બજાર સાથે પણ સાંકળશે. આ રૂટ 19.12 કિ.મી.ની લંબાઇ ધરાવે છે. સવારના 9 થી રાતના 8 કલાક સુધી મેટ્રો ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદમાં મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. તે વખતે પુર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર જાહેર જનતા માટે બે ઓક્ટોબરે ખોલવામાં આવ્યો હતો.