અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ,ભૂકંપથી 280 લોકોના મોત:500 લોકો ઘાયલ; પાકિસ્તાનમાં પણ ઝટકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં આજે સવારે 6.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 280થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 500થી વધારે ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિલોમીટર દૂર હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા પૂર્વ પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. આ કારણે પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે, ભૂકંપના ઝટકા ઈસ્લામાબાદ સહિત ઘણાં શહેરોમાં અનુભવાયા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું છે કે ભૂકંપના આ ઝટકાનો અમુક સેકન્ડ સુધી અનુભવ થયો હતો અને એને કારણે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલાં શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. એમાં ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં આ ઝટકાનો અનુભવ થયો હતો. આ ઝટકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાડ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા.