AAP: ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાં કેસ પેપરથી લઈ વિવિધ ટેસ્ટ માટે લેવાતા ચાર્જ બંધ કરવા આપની રજૂઆત
AAP જિલ્લા મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં સમગ્ર કચ્છના દર્દીઓ નિદાન સારવાર માટે આવે છે, પરંતુ ઈલાજ માટે આવતા લોકો પાસે રાહત ભાવ હેઠળ કેસ પેપરથી લઈ શારીરિક ટેસ્ટ માટે નિર્ધારિત રકમ વસૂલવામાં આવે છે. ત્યારે જીકે હોસ્પિટલમાં આવતા જરૂરત મંદ દર્દીઓને વિના મૂલ્યે સારવાર મળે તેમજ તમામ વિભાગમાં નિષ્ણાત તબીબોની સુવિધા ઉપલબ્ધ બને તેવી માંગ સાથે પશ્વિમ કચ્છ આમ આદમી પાર્ટી AAP દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગને આલેખીને જીકે જનરલ હોસ્પિટલમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં કરાયેલા દાવા અનુસાર અદાણી દ્વારા જીકે જનરલમાં હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ સંભાળવામાં આવે છે. ગરીબ લોકો માટે બનેલી આ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મળવી જોઈએ , તેના બદલે અમુક ચાર્જ વસૂલવામાં આવે છે. અદાણી જેવી મોટી કંપની પાસે અઢળક CSR ફન્ડ છે અને મેડિકલ કોલેજની આવક હોસ્પિટલમાં આવતા જરૂરતમંદ લોકોની યોગ્ય સારવાર માટે વપરાય તેવા અભિગમ સાથે સરકારે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અદાણીને ચલાવવા માટે આપી છે, ત્યારે સરકારના ઉદેશ ફળીભૂત નીવડે તેવા સાધન સામગ્રી, સુવિધા અને સ્ટાફ સાથે વિનામૂલ્યે સારવાર મળે તે જરૂરી છે.
આમ આદમી પાર્ટી AAP ના પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખ સંજયભાઈ બાપટ,મહિલા મોરચા પ.ક જીલ્લા પ્રમુખ કાન્તાબેન પટેલ,પ.ક જીલ્લા મહામંત્રી બટુકપુરી ગોસ્વામી, પ.ક જીલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા,શહેર સંગઠન મંત્રી મામદભાઈ ખલીફા, ઉમરસીભાઈ મારવાડા રજૂઆતમાં જોડાયા હતા.