સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી સવારે ૧૦ વાગ્યા આસપાસ મૃતદેહો મળી આવતાં નગરમાં અરેરાટી સાથે ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક દૃષ્ટિએ ઘટના આત્મહત્યાની લાગી રહી છે પરંતુ પોલીસને અત્યારે આપઘાતનું કોઈ કારણ મળ્યું નથી ત્યારે એક જ પરિવારના 3 સભ્ય એકસાથે, એક જ સ્થળે શા માટે મોત વહાલું કરે, એ વાત પોલીસને અને પરિવારના એક માત્ર બચેલા સભ્ય એવા પુત્રને અકળાવી રહી છે.
….માતા-પિતા અને વ્હાલસોયી બહેન આપઘાતનું આત્યંતિક પગલું ભરે જ નહીં, તેમની સાથે અઘટિત થયાની આશંકા સાથે પુત્રે ફોરેન્સિક લેબોરેટરીમાં પોસ્ટ મોર્ટમ કરાવવાની માગણી કરી છે. પુત્રની માગણી સ્વીકારીને પોલીસે ત્રણેય મૃતદેહો રાજકોટ મોકલ્યા છે. વઢવાણમાં સાંકડી શેરીના વતની અને ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં દાળમિલ રોડ ઉપર રહેતા દિપેશભાઈ અંબારામભાઈ પાટડિયા દરજી કામ કરતા હતા. સુરેન્દ્રનગરમાં મેઇન બજારમાં આકાશગંગા કોમ્પ્લેક્સના પહેલા માળે તેમની બ્રિલ્યન્ટ ટેઇલર નામની દુકાન આવેલી છે. દિપેશભાઈ પેન્ટ-શર્ટની સાથે સુટ બનાવવાના કારીગર હતા. ધંધો પણ સારો ચાલતો હતો. 2 મહિના પહેલાં તેમણે દાળમિલ રોડ ઉપર આવેલું મકાન વેચી દીધું હતું. દીકરો અમદાવાદ કંપનીમાં નોકરી કરતો હોઈ ત્યાં સેટ થવા માટે મકાન વેચી દીધું હતું. એકદમ શાંત અને કોઈની સાથે દુશ્મની ન ધરાવતા 60 વર્ષીય દિપેશભાઈ પાટડિયા, 45 વર્ષીય પત્ની પુષ્પાબહેન અને 20 વર્ષની દીકરી ઉત્સવી બહેનની શુક્રવારે સવારે 10 વાગ્યાના અરસામાં રાજપર પાસે નર્મદા કૅનાલમાંથી લાશ મળી આવી હતી. માતાજીના ભૂવા અને સામાન્ય જીવન જીવતા દિપેશભાઈના સંબંધીને ત્યાં શુક્રવારે ચાંદલાનો પ્રસંગ હતો. અને આથી જ દીકરીએ ગુરુવારે આગલી રાતે હાથે મહેંદી પણ મૂકી હતી. આથી એક જ રાતમાં એવું તે શું બની ગયું કે પરિવારના સભ્યોએ આવું અંતિમ પગલું ભરવું પડ્યું, તેનુ રહસ્ય ઘેરાયું છે. મોતનું કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ લઈ જવાયા છે.
…દિપેશભાઈ પાસે એક બાઇક હતું. પોલીસે તપાસ કરી તો આ બાઇક ઘટનાસ્થળે કે તેમના ઘરેથી પણ મળી આવ્યું નહોતું. આથી બાઇક ક્યાં ગયું, તે મોટો સવાલ ઊભો થયો છે. શહેરથી આટલે બધે દૂર કૅનાલ ઉપર ત્રણેય કેવી રીતે આવ્યા? શું તેઓ ચાલીને આવ્યા કે અન્ય કોઈ વાહનમાં આવ્યા? આ બાબત પણ તપાસ માંગી લે છે. મૃતદેહ બહાર કાઢીને પોલીસે તપાસ કરી તો તેમના ખિસ્સામાંથી આધાર કાર્ડ, ચિઠ્ઠી, પૈસા કે કોઈ પણ વસ્તુ મળી ન હતી પરંતુ કૅનાલ ઉપરથી એક પુરૂષનું અને એક મહિલાનું ચપ્પલ, ચશ્માં અને ચાવીનો જૂડો મળ્યો હતો. સાથે જ ઝેરી દવાની એક શીશી પણ મળી હતી. આથી તેમણે દવા પીને કૅનાલમાં ઝંપલાવ્યાનું પોલીસનું અનુમાન છે. ગુરુવારે સાંજે પિતા સાથે રૂટીન વાત કરી હતી ઘરે ઘરનાએ પણ સારી રીતે વાત કરી હતી. મુશ્કેલી કે મુંઝવણ હોય તેવું વાત ઉપરથી લાગ્યું નહોતું. તે જ દિવસે રાતથી જ તેમનો ફોન બંધ આવતો હતો. તો એક રાતમાં એવું તે શું બન્યું, અઘટિત બન્યું હોવાનું પુત્રનુ માનવું છે એટલે ફોરેન્સિક લૅબમાં પોસ્ટ મોર્ટમ કરાવવાની માગણી કરી હતી.