જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી. માતા વૈષ્ણોદેવી મંદિરમાં અચાનક મચેલી નાસભાગની ઘટનામાં 12 શ્રદ્ધાળુઓના મૃત્યુ અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ ઘટનામાં જાનહાનીની સંખ્યા વધી પણ શકે છે. પોલિસ સહિત સુરક્ષાદળો ઘટનાસ્થળે હાજર છે અને બચાવકાર્ય જારી છે. નવા વર્ષના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા. આ દરમિયાન નાસભાગ મચી હતી. અત્યારે વહીવટીતંત્રે યાત્રા રોકી દીધી છે. આ દુર્ઘટના અંગે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંઘે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલ દુર્ઘટના પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખની નાણાંકીય સહાય પુરી પાડવાની અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડવા સૂચનાઓ જારી કરી છે.