અમરેલી અને ભાવનગર જિલ્લાની તસ્કર ગેંગને 10 વર્ષની સખત કેદ અમરેલી અને ભાવનગર જિલ્લામા અનેક ચોરીઓ કરી તરખાટ મચાવનાર તસ્કરો સામે 2019મા પોલીસે ગેંગ કેસ દાખલ કર્યા બાદ આજે અદાલતે તસ્કરો અને માલ વેચાતો રાખનાર વેપારી સહિત આઠ શખ્સોને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
અમરેલી ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ આજે તસ્કરીના ગુનામા ગારીયાધારના મોરબા ગામના મનોજ બચુ સાથળીયા, ભાવનગરના રાજુ ધીરૂ વેગડ, ભરત સાંચા સોલંકી અને દેદરડાના દુલા રામજી રાજકોટીયા ઉપરાંત ગારીયાધારના મહિપત લક્ષ્મણ સોલંકી, મોરબાના વિનુ દેવજી કંચાસરા તથા ભાવનગરના વિજય હરીભાઇ કુકડીયા અને રાહુલ વિજયભાઇ કુકડીયાને આ સજા ફટકારી હતી.
બાબરાના જામબરવાળાના હનુભાઇ જોધાભાઇ બોળીયાના મકાનમા ગત તારીખ 21/6/19ના રોજ ચોરી થઇ હતી. જે કેસમા પોલીસે તે વખતે આ શખ્સોને ઝડપી લીધા હતા. તત્કાલિન પોલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી આ આરોપીઓ સામે તસ્કરી અંગે ગેંગ કેસ કરવામા આવ્યો હતો. જે અહીની કોર્ટમા ચાલી જતા અદાલતે 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા ત્રણ હજારથી લઇ દસ હજારનો દંડ ફટકાર્યો હતો.