પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામે ખેતરમાં પ્રવેશ તથા છેડતીના મુદ્દે બે જૂથો વચ્ચે ગઈકાલે સાંજે લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે થયેલી મારામારીમાં ૪ મહિલા સહિત ૭ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બારામાં બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ માધવપુર ગામે કાળવા ચોકમાં રહેતા મોહનભાઈ પીઠાભાઈ વાજા (ઉં.વ.૩૮) ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મેહુલ ઉર્ફે કાનાભાઈ વાસણ સાથે પોતાના ખેતરે હતા ત્યારે ગામમાં જ રહેતા મુરુભાઈ ધાનાભાઈ વાઘેલાએ મેહુલને ખેતરમાંથી ચાલ્યા જવાનું કહેતાં બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો બિચકતાં મુરુભાઈ વાઘેલા ઉપરાંત, લીલીબેન ધાનાભાઈ વાઘેલા, કિરણ મુરુ, રવિ મુરુ, કારા ધાના, પોપટ કારા, નરેશ કારા, હેમીબેન ધાનાભાઈ, હરેશ કાના, દાના ગોવદ વાઘેલા, કિરણબેન દાનાભાઈ વાઘેલા, કડવીબેન દેવશી ગોવદ, પુષ્પાબેન રમેશ વાઘેલા, અરજણ જીણાભાઈ વાઘેલા, બેનાબેન અરજણ વાઘેલા, મોહન જીણાભાઈ વાઘેલા તથા ચીના ડાયા વાઘેલા સહિતનો સમગ્ર પરિવાર લાકડી અને પાઈપ સાથે મોહનભાઈ વાજા તથા મેહુલ વાસણ પર તૂટી પડ્યો હતો. આ મારામારીમાં વચ્ચે પડેલાં મોહનભાઈ પત્ની કુંવરબેન તથા પીઠાભાઈ રામભાઈ નામની વ્યક્તિને પણ હુમલાખોરોએ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ અંગે મોહનભાઈ વાજાએ મુરુ ધાના વાઘેલા સહિત ૧૭ શખ્સો સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બીજી બાજુ, સામા પક્ષે મુરુભાઈ ધાનાભાઈ વાઘેલાએ પણ મોહન પીઠાભાઈ વાજા સહિત ૬ શખ્સો સામે વળતી ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જે મુજબ મુરુભાઈ ધાનાભાઈ વાઘેલાની ભત્રીજીને મેહુલ વાસણ ખરાબ ઈશારા કરી છેડતી કરતો હોવાથી મુરુભાઈએ તેને ખેતરેથી ચાલ્યા જવાનું કહ્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા મોહન પીઠા વાજા, મેહુલ વાસણ, કુંવરબેન મોહનભાઈ, પીઠાભાઈ રામભાઈ, ભેનીબેન મેરુભાઈ વાજા અને નીતિન મેરુભાઈ વાજા સામે ગેરકાયદે મંડળી રચી લાકડી-ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં મુરુભાઈ વાઘેલા, દાનાભાઈ ગોવદભાઈ, કિરણબેન દાનાભાઈ, કારાભાઈ, પુષ્પાબેન રમેશભાઈ, નરેશ તથા બેનાબેન અરજણભાઈને ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.