અમદાવાદમાં ગુનાઓના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં 2 યુવકો ઝઘડતા હતા ત્યારે અન્ય યુવકને અથડાયા હતા, જેથી યુવકે બંનેને જોઈને ચાલવાનું કહેતા ઝઘડી રહેલા યુવકોમાંથી એક યુવકે છરી કાઢીને યુવકના હાથમાં મારી દીધી હતી.આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના અમરાઈવાડીમાં રહેતી કમલેશ વણઝારા બાપુનગરના સુંદરમનગર પાસે ઇંડાની લારી પર ઈંડા લેવા ગયો હતો. આ દરમિયાન ઇંડાની લારી પર 2 યુવકો અંદરો અંદર ઝઘડતા હતા. કમલેશ બંનેને ઓળખતો નહતો. બંને યુવકો ઝઘડતા કમલેશ પાસે આવીને અથડાયા હતા, જેથી કમલેશે જોઈને ચાલવાનું કહ્યું હતું. આટલું કહેતા એક યુવક કમલેશ પર ગુસ્સે થયો અને તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને ડાબા હાથ પર ઘા મારી દીધો હતો.
છરીના ઘા વાગતા કામલેશને ઈજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108ને ફોન કરી બોલાવવામાં આવી હતી. કમલેશને 108 મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા છરી મારીને નાસી છૂટેલા આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.