ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાની રીતે પ્રચાર કરી રહ્યો છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ દરેક સીટ પર ચૂંટણી લડવાની છે. આ માટે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા ગુજરાતનો સતત પ્રવાસ કરી રહ્યા છે. મનીષ સીસોદીયા હાલ ગુજરાતના 10 દિવસના પ્રવાસ પર છે. દિલ્હીના ઉપમુખ્યામંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે.
આજે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મનીષ સીસોદીયાએ કહ્યું હતું કે યોગ્ય સમયે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે. હાલ મનીષ સીસોદીયા ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. મનીષ સીસોદીયાએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે કે અને દિલ્હી, પંજાબમાં અમે જે રીતે વચનો આપ્યા છે તે પુરા કર્યા છે. ભાજપ દ્વારા ખોટા વચનો જ આપ્યા છે રોડ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ જેવી બાબતોમાં ભાજપે લોલીપોપ આપી છે.
ગુજરાતમાં જે રીતે સરકારી કર્મચારી પોતાની માંગણીઓને લઈને અસંતોષ છે જયારે પંજાબમાં સરકારી કર્મચારીઓના પગારની કોઈ સમસ્યા નથી તેમ તેમણે કહ્યું હતું. આ સાથે કહ્યું કે ગુજરાતમાં કડક રીતે દારૂબંધી હોવી જોઈએ. જો આમ આદમી પાર્ટી આવશે તો ગુજરાતમાં સખત રીતે દારૂબંધી કરવામાં આવશે. ભાજપ પાસે હાલ કોઈ જ મુદ્દો રહ્યો નથી તેથી તે લોકો અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટીને ગાળો આપે છે.
આમ આદમી પાર્ટીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ગુજરાતમાં પૂર્ણ બહુમતની સરકારનો દાવો કર્યો હતો. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ ભાજપ સાથે ભળીને ભાજપની સરકાર રચવા દીધી છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. આ સાથે મનીષ સીસોદીયાએ પાટણમાં રેલી કાઢી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ પ્રચાર કરી રહી છે.