કચ્છીમાડુ યુસુફ મહેરઅલી

કચ્છનાં બે અણમોલ રત્નો વગર ભારતની આઝાદીના ઇતિહાસનાં પાનાં અધૂરાં રહી જાય. એમાં એક હતા કચ્છ માંડવીમાં જન્મેલા ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા. શ્યામજી કૃષ્ણવર્માએ ઇંગ્લૅન્ડમાં રહીને વીર સાવરકર, મદનલાલ ધીંગરા જેવા અનેક ક્રાન્તિકારીઓને તૈયાર કરી ભારતમાં અંગ્રેજોના પાયા હચમચાવી દીધા હતા. તો આઝાદીની લડાઈમાં ભારતના યુવાનોમાં જોમ પ્રસરાવનાર યુસુફ મહેરઅલી કચ્છના ભદ્રેશ્વરમાં જન્મ્યા હતા.

યુસુફ મહેરઅલી કચ્છના ભદ્રેશ્વરમાં જન્મ્યા હતા.

ભદ્રેશ્વર આજે જૈન તીર્થસ્થાન તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. જગડુશા દાતાર જેવા મહાનાયક પણ ભદ્રેશ્વરની પાવનભૂમિ પર પાક્યા હતા. એ જ ભદ્રેશ્વરની પાવનભૂમિ પર ૧૯૦૩માં યુસુફ મહેરઅલીનો જન્મ થયો હતો. તેમની જન્મભૂમિ ભદ્રેશ્વર પર આજે યુસુફ મહેરઅલી સેન્ટર(વાય.એમ.સી.)નાં કાર્યોથી અભિભૂત થઈ જવાય છે. જો કે ભારતનાં આઠેક રાજ્યોમાં આ વાય.એમ.સી. સક્રિય રહી આજે યુસુફ મહેરઅલીની યાદોની ખુશબૂ ફેલાવી રહ્યાં છે.
ભૂકંપ વખતે છેક ઝારખંડથી સેવા માટે કચ્છ આવી, કચ્છને પોતાનું વતન બનાવી દેનાર ધર્મેન્દ્રકુમાર કરન એક અદ્ભુત વ્યક્તિત્વ છે! ૧૯૯૬થી શરૂ થયેલ ભદ્રેશ્વર વાય.એમ.સી.માં તેમના જેવા જ યુવાનો સાથે જોડાઈ કચ્છના વંચિતો માટે આજે કાર્ય કરી રહ્યા છે. ધર્મેન્દ્રકુમાર ઝારખંડની બુકારો સ્ટીલ સિટી કૉલેજમાં પત્રકારત્વનો અભ્યાસ કરી ભૂકંપ પછી કચ્છમાં આવી ચડ્યા અને સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા લાગ્યા. તેમના જેવા જ એક અલગારી અને ધૂની દેવેન્દ્ર કોડાડકર છેક ગોવાથી કચ્છ આવી યુસુફ મહેરઅલી સેન્ટર માટે કાર્ય કરી રહ્યા છે.
કચ્છના માછીમારો દિવસો સુધી દરિયો ખેડી, જીવના જોખમે કામ કરે છે. કિનારે આવ્યા બાદ તેમની માછલીઓ નજીવી કિંમતે વેપારીઓ વેચાતી લઈ લે છે. પરિણામે આ અબુધ માછીમારો સતત ગરીબીમાં સબડે છે. તેમનાં બાળકો પ્રાથમિક અભ્યાસથી પણ વંચિત રહી જાય છે. આખો દિવસ ભટકતાં-ભટકતાં જીવન વિતાવે છે. આવાં બાળકોને ભણાવવા વાય.એમ.સી. સારો સંઘર્ષ કરે છે. સામાન્ય રીતે આ માછીમારો ગામોથી દૂર કચ્છના દરિયા પાસેના કસબાઓમાં રહે છે. ત્યાં વાય.એમ.સી.ના સ્વયંસેવકો ભણાવી-ગણાવીને તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. આજે તો આવાં બાળકો ઘણા કૉલેજ સુધી, ઘણા પૉલિટેક્નિક કે આઇ.ટી.નું ભણીને પગભેર થયા છે. ભદ્રેશ્વરમાં આ માછીમાર બાળકો અને બાલિકાઓ માટે વાય.એમ.સી.ની હૉસ્ટેલ પણ છે. દેવેન્દ્ર કોડાંડકર શિક્ષકની સાથે-સાથે સારા નાટ્યકાર પણ છે. વાય.એમ.સી.નાં બાળકો પાસે લોકજાગૃતિનાં નાટકો તૈયાર કરાવી ગુજરાતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવે છે અને છેલ્લાં ૧૦ વર્ષથી અવિરતપણે આ નાટકો ઇનામ જીતી ગુજરાતના કલાજગતમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે. સેન્ટરના ઉપક્રમે ફિશરમૅન સ્ત્રીઓને તાલીમ આપી વિવિધ ગૃહ ઉદ્યોગ શીખવાડી પગભર કરાય છે.

ભારતમાં મીઠા ઉદ્યોગ(સૉલ્ટ ઇન્ડસ્ટ્રીઝ)નું ૮૦ ટકા પ્રોડક્શન ગુજરાતમાં થાય છે. એમાંથી ૬૦ ટકાથી વધુ મીઠું ખાલી અંજારના જોગતીનગર દરિયાકિનારે પાકે છે. આમ કચ્છ મીઠા ઉદ્યોગનું કેન્દ્ર છે, પણ મીઠું પકવતા અગરિયાઓ કારમી ગરીબીમાં સબડે છે. પગમાં છાલા પડી જાય એવા અગર (મીઠાંનાં ખેતર), એમાં ય ઉપરથી ધોમધખતા તાપમાં ચામડી બળી જાય, મીઠાંનાં ચમકતાં ખેતરોથી આંખ અંજાઈને નબળી પડી જાય એવા માહોલમાં અગરિયા કામ કરે. વેદના અને બળતરામાં તરફડતા અગરિયા પેટનો ખાડો પૂરવા દેશના વિવિધ પ્રદેશોમાંથી આવે છે. તેમની અવદશા જોઈ કોઈનું પણ હૃદય રડી ઊઠે. વાય.એમ.સી.ના કાર્યકર્તાઓ તેમનું જીવનધોરણ સુધારવા સતત રચ્યાપચ્યા રહે છે. એક ગામથી બીજા ગામે વિચરતા અગરિયાનાં બાળકોનાં જીવનમાં પ્રકાશ પાથરવાના અજ્ઞાનતા દૂર કરવા ભણતરનો યજ્ઞ આરંભ્યો છે. ગુજરાત બહારથી આવેલા અગરિયા(મીઠાં ઉદ્યોગના મજૂરો)નાં બાળકો માટે મુંદ્રામાં હિન્દી માધ્યમની સ્કૂલ ચલાવે છે.
કોરોના કાળ અને લૉકડાઉનમાં બહારથી આવેલા દહાડિયા મજૂરોની સ્થિતિ અત્યંત ખરાબ છે. વાહનવ્યવહારના અભાવે પોતાના વતન પાછા ફરી શકતા નથી. કામકાજ બંધ હોવાથી તેમની પાસે પૈસા નથી, ખાવાનું નથી. આવા હજારો લાચાર મજૂરો માટે અનાજથી લઈ દવા સુધીની વ્યવસ્થા વાય.એમ.સી.એ કરી છે. અહીં મુંદ્રાના જાગતિક સેવાભાવી ધર્મેન્દ્રભાઈ જોઇસરનો ઉલ્લેખ પણ અનિવાર્ય છે. ધર્મેન્દ્રભાઈએ લૉકડાઉનમાં મુંદ્રાવાસીઓ માટે અનેક સેવાકીય કાર્યો કર્યાં છે. વાય.એમ.સી. દ્વારા અગરિયાની મહિલાઓએ જે ગૃહઉદ્યોગ શીખી છે એ બહેનોમાંથી અંજારની ૫૦-૬૦ બહેનોને માસ્ક બનાવવાના પ્રોજેક્ટમાં સામેલ કરી કિફાયતી ભાવે હજારો માસ્કનું વિતરણ કચ્છમાં વાય.એમ.સી.એ કર્યું છે.

કચ્છીમાડુ યુસુફ મહેરઅલીથી પ્રેરિત આ વાય.એમ.સી. સેન્ટરો આઠેક રાજ્યોમાં ચાલે છે. સમાજના શોષીત, ગરીબો, વંચિતો માટે કાર્ય કરતા વાય.એમ.સી.ની શરૂઆત ૧૯૬૭માં પનવેલ ખાતે થઈ હતી. ત્યાંના આદિવાસીઓને કાર્પેન્ટરીથી લઈ ડેરી ઉદ્યોગ સુધીનાં કાર્યો શીખવાડવામાં આવતાં. ડૉ. જી. જી. પરીખે યુસુફ મહેરઅલીથી પ્રભાવિત થઈ ગાંધીઅન વિચારોને યુસુફ મહેરઅલીની વિદાય પછી અમલમાં મૂકવા કમર કસી. ડૉ. જી.જી. પરીખ આજે ૯૬ વર્ષની જૈફ વયે ગ્રાન્ટ રોડની પોતાની ક્લિનિકમાં બેસીને સતત સેન્ટર માટે વિચારતા રહે છે. ડૉ. જી.જી. પરીખ જેવા કાર્યકરોને કારણે આપણા કચ્છી ખોજા બિરાદર યુસુફ મહેરઅલી મર્ચન્ટની રૂહને સંતોષ થતો હશે.
યુસુફ મહેરઅલીનો જન્મ તેમના નાના ધરમસિંગ પુંજાના ઘરે ૧૯૦૩માં ભદ્રેશ્વર ખાતે થયો હતો. ખોજા જ્ઞાતિના ધરમસિંગ પુંજા વહાણવટા દ્વારા મબલખ વેપાર કરતા એટલે મર્ચન્ટ તરીકે ઓળખાતા. તેમણે ભદ્રેશ્વરથી પરદેશ વેપાર કરી દોમદોમ સાહેબી મેળવી હતી. આ ઉદારદિલ વેપારીએ ભદ્રેશ્વરના વિકાસમાં ફાળો આપ્યો હતો. કચ્છના બીજા નંબરનું સૌથી મોટું તળાવ તેમણે ભદ્રેશ્વરમાં ખોદાવી લોકોને પાણીની જબરી વ્યવસ્થા કરી આપી હતી. ધરમસિંગબાપાનું સ્ટૅચ્યુ હજી ભદ્રેશ્વરમાં છે.
આ ભદ્રેશ્વરમાં બાળપણનાં થોડાંક વર્ષો વિતાવી પિતા સાથે પહેલાં કલકત્તા અને પછી મુંબઈ આવ્યા. યુસુફ મહેરઅલીના પિતાની કપડાંની મોટી મિલ હતી. મુંબઈમાં ભરડા સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. કિશોર અવસ્થામાં જ તેમણે ક્રાન્તિકારીઓનાં જીવનચરિત્રો વાંચ્યાં હતાં અને એની ઊંડી અસર તેમના જીવન પર પણ થઈ હતી. ભરડા સ્કૂલનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તેઓ એલ્ફિસ્ટન કૉલેજમાં જોડાયા.
અત્યંત સમૃદ્ધ કુટુંબમાંથી આવતા યસુફુ મહેરઅલી ભારતના ગરીબ, મજૂર, વંચિતો માટે કાર્ય કરતાં-કરતાં આઝાદીનાં સમણાં જોતાં. એલ્ફિસ્ટન કૉલેજમાં એક નાટકમાં મૌલાના આઝાદનું પાત્ર ભજવ્યું એટલે અંગ્રેજ સરકાર દ્વારા તેમની ધરપકડ થઈ. અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી પછી વકીલાતની ડિગ્રી મેળવી. અભ્યાસકાળ દરમ્યાન ભારતના નેતાઓનાં પ્રેરણાદાયી જીવનચરિત્રો છપાવીને લોકોમાં વેચવા લાગ્યાં.

બંદર પર પહોંચી સાયમન કમિશનના વિરોધની યોજના બનાવી હતી

૧૯૨૮માં બ્રિટિશરોનું ‘સાયમન કમિશન’ ભારતમાં આવ્યું. ભારતના સંવિધાનિક સુધારા માટે આવેલા આ આયોગમાં એક પણ ભારતીય સદસ્ય ન હતો એટલે દુભાયેલા ભારતીયો ગુસ્સે ભરાયા. યુસુફ મહેરઅલી મર્ચન્ટે કેટલાક ક્રાન્તિકારી કાર્યકરો સાથે સાયમન કમિશન વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. કુલીના પહેરવેશમાં આ યુવાનોએ બંદર પર પહોંચી સાયમન કમિશનના વિરોધની યોજના બનાવી હતી, પણ અંગ્રેજોને કાવતરાની ખબર પડી ગઈ છતાં યુસુફ મહેરઅલી સાથીદારો સાથે હિંમતપૂર્વક કાળા વાવટા ફરકાવતાં-ફરકાવતાં ‘સાયમન ગો બૅક’ના નારા ઝનૂનપૂર્વક લગાવી પોતાના વિદ્રોહનો પરિચય આપ્યો. અંગ્રેજ સિપાઈઓએ દેશભક્તો પર જબરો લાઠીચાર્જ કર્યો.
‘સાયમન ગો બૅક’ની ઘટના અને સૂત્રની વાત દેશભરમાં રાતોરાત ફેલાઈ ગઈ. પ્રત્યેક હિન્દુસ્તાનીના મોંમાં ‘સાયમન ગો બૅક’નો નારો બોલાવા લાગ્યો. અનેક ઠેકાણે આંદોલન થયાં અને કચ્છના ભડવીર ‘યુસુફ મહેરઅલી’નું નામ હિન્દુસ્તાનમાં પ્રખ્યાત થઈ ગયું. તેમને મળેલી પ્રચંડ લોકપ્રિયતાથી ડઘાઈ ગયેલી અંગ્રેજ સરકારે તેમની વકીલાતની પ્રૅક્ટિસ પર પ્રતિબંધ મૂકી દીધો.

ત્યાર પછી તો યુવાનોમાં તેમની મોહિની લાગી. દાંડીકૂચ શરૂ થઈ ત્યારે યુસુફ મહેરઅલી એમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈ લોકોમાં ચેતના જગાવી છેવટે તેમની ધરપકડ થઈ ત્યારે તેમને ક્યાં ખબર હતી કે આઝાદી માટે હજી તો કુલ આઠ વાર તેમને જેલમાં જવું પડશે! જેલમાંથી મુક્તિ મળી પછી જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, નરેન્દ્ર દેવ, મીનુ મસાણી જેવા સોશ્યલિસ્ટ સાથે સંબંધ કેળવ્યો. ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં મચી પડ્યા. આ સમય દરમિયાન તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં.
૧૯૪૨માં તેઓ લાહોરની જેલમાં કેદ હતા ત્યારે મુંબઈના મેયરની ચૂંટણી લડી પ્રચંડ વિજય મેળવ્યો. મુંબઈના મેયર બનતાં તેમને મુક્તિ મળી, તેઓ મુંબઈ આવી પહોંચ્યા. ઑગસ્ટ ક્રાન્તિ આંદોલનમાં ગાંધીજીએ ભારતની પૂર્ણ આઝાદી માટેનો સંઘર્ષ શરૂ કર્યો. ગાંધીજીએ યુસુફ મહેરઅલીનું ‘કવીટ ઇન્ડિયા’(અંગ્રેજો ભારત છોડો)નું સૂત્ર પસંદ કર્યું અને થોડાક જ સમયમાં આ ‘અંગ્રેજો ભારત છોડો’ સૂત્ર ભારતભરમાં પ્રચલિત થઈ મહાઆંદોલન બની ગયું! આ ઑગસ્ટક્રાન્તિ આંદોલનમાં યુસુફ મહેરઅલીને જેલ જવું પડ્યું ત્યાં તેમને હૃદયરોગનો હુમલો થયો. અંગ્રેજોએ તેમના સારા ઉપચાર માટે સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં દાખલ કરવા તૈયારી કરી, પણ તેમણે આ સવલતનો સવિનય અસ્વીકાર કર્યો. ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનથી અંગ્રેજી સત્તાના પાયા હચમચી ગયા.
છેવટે થોડાક જ સમયમાં દેશ આઝાદ થયો. આઝાદી માટે ગાંધીજી જેવા મહામાનવીના પગલે ચાલી તેમણે જાત ઘસી નાખી સાથે તેમનું શરીર પણ ઘસાતું ગયું. છેવટે ૧૯૫૦ની બીજી જુલાઈએ જન્નતસીન થયા ત્યારે તાજી-તાજી આઝાદી મેળવનાર દેશ જાણે થંભી ગયો. આખા રાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો. વર્ષોથી કૅન્સરની તાતા હૉસ્પિટલ, કે.ઈ.એમ. હૉસ્પિટલ, વાડિયા ઇત્યાદિ હૉસ્પિટલમાં ઉપચાર કરાવવા આવતા ગરીબ દરદીઓ અને તેમના કુટુંબીજનોની સેવા કરતા કચ્છના રાયણ ગામના વિરેન્દ્રભાઈ શાહ (વીરુભા) લૉકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ આવા જરૂરિયાતમંદ વંચિતો માટે કાર્ય કરતા જોઈ યુસુફ મહેરઅલીનું સ્મરણ થતાં આ લેખ આલેખવાની પ્રેરણા મળી છે. ‘મિડ-ડે’ના પ્રિય વાચકો આપ જો કચ્છના ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરવા જાવ તો વાય.એમ.સી.ની મુલાકાત અવશ્ય લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *